ગુજરાત
News of Saturday, 28th May 2022

મહીસાગર જિલ્લામાં ખાતર-બિયારણ વેચનારા વેપારીઓના 54 સ્થળો પર ખેતીવાડી વિભાગે કરી ચકાસણીની કાર્યવાહી

29 જેટલા વહેપારીઓને ખુલાસા માંગી સેમ્પલ લેવામાં આવ્યા :નકલી બિયારણ વેચનારા અને વધુ ભાવ લુંટનારાઓમાં ફફડાટ વ્યાપ્યો

મહીસાગર જિલ્લામાં ખેડૂતોને અનિયમીત ભાવે અને ગુણવત્તાની દૃષ્ટીએ બાંધછોડ કરનારા વહેપારીઓ સામે ખેતીવાડી વિભાગે લાલ આંખ કરી છે. વિભાગની વિશેષ સ્ક્વોડ દ્વારા મહીસાગર જિલ્લામાં અનેક સ્થળે તપાસ કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં અનેક સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ શંકાસ્પદ લાગતા ખાતર અને બિયારણના સેમ્પલ પણ મેળવવામાં આવ્યા હતા. વિશેષ ટીમ ત્રણ અધિકારીઓને રચવામાં આવી છે અને જે ખેડૂતોને સારી ગુણવત્તાનુ ખાતર અને બિયારણ મળી રહે અને સાથેજ યોગ્ય ભાવે મળી રહે તે બાબતનુ ધ્યાન રાખવાનો પ્રયાસ કરશે.

ઉનાળા બાદ હવે ચોમાસાની શરુઆત થવા સાથે જ હવે ખેડૂતો વાવણીમાં લાગી જશે. આ દરમિયાન ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી લે ભાગુ વહેપારીઓ દ્વારા ના થાય અને ખેડૂતો અને સારા વહેપારીઓના હિતમાં ખેતીવાડી વિભાગ ખુદ પ્રયાસો કરી રહ્યુ છે. જેથી ગુણવત્તા સભર અને યોગ્ય નિયત કરેલ ભાવે ખાતર બિયારણ વેચતા વહેપારીઓને પણ ખોટી કનડગત થાય અને સાથે જ ખેડૂતોની મહેનત સાથે છેતરપિંડી કોઈ ખોટા વહેપારીઓ ના કરે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માટે સંયુક્ત ખેતિવાડી નિયામક વડોદરા દ્વારા ઝોન માટેની એક વિશેષ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જે સ્ક્વોડમાં છોટાઉદેપુર જિલ્લાના નાયબ ખેતી નિયામક અને બે ક્વોલિટી કંટ્રોલ ઈન્સ્પેક્ટરની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે.

જે ટીમ મહિસાગર જિલ્લામાં તપાસ અર્થે આવી પહોંચી હતી અને તેઓએ દવા-ખાતર અને બિયારણનુ વેચાણ કરનારા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 54 જેટલા સ્થળો પર તપાસની કાર્યવાહી કરવમાં આવી હતી. જેમાં 29 જેટલા વહેપારીઓને ખુલાસા માંગી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સંતરામપુર અને ખાનપુરમાં કેટલાક વહેપારી અને સેન્ટર પરથી અનિયમિતતા જણાઈ આવી હતી. જેને લઈને શંકાસ્પદ લાગતી બાબતોની સ્પષ્ટતા કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

કેટલાક વહેપારીઓને નોટીસો પાઠવવામાં આવી હતી. જે નોટીસ દ્વારા અનિયિમતતાઓને લઈને ખુલાસા માંગવમાં આવ્યા હતા. ખાસ કરીને વેચાણના બાબતમાં કેટલીક શંકાસ્પદ બાબતો ટીમની નજરમાં આવી હતી. જે અનિયમિતતાઓને લઈને ખુલાસાઓ પુછ્યા હતા. આમ વહેપારીઓમાં ખેતિવાડી વિભાગની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો હતો. તો બીજી તરફ ખેડૂતોમાં પણ એ વાતે રાહત સર્જાઈ હતી, કે વાવણી પહેલા સરકાર દ્વારા તંત્રને સાબદુ કરીને ચકાસણી માટે દોડતુ કરી દેવામાં આવ્યુ છે. જેનાથી ખેડૂતો સાથે થતી આર્થિક અને નકલી બિયારણ જેવી છેતરપિંડીમાં રાહત મળશે.

(10:17 pm IST)