ગુજરાત
News of Friday, 27th May 2022

ગ્રાંટેડ શાળાઓને હાઈકોર્ટે આપી મોટી રાહત: રાજ્ય સરકારને ગ્રાંટ પરત નહીં લેવા આદેશ

સંચાલકોને ભૂલથી ગ્રાંટ આપી દીધી હોય તો પણ પરત લેવી નહીં: હાઇકોર્ટ

રાજ્ય સરકારે ગ્રાંટેડ શાળાઓને આપેલી ગ્રાંટને પરત મેળવવા માટે રાજ્યમાં રહેલા શાળા સંચાલકોને નોટિસ પાઠવેલી.જેની સામે થયેલી અરજીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને રાજ્ય સરકારે આપેલી આ નોટિસને રદ કરી છે અને આદેશ કર્યો છે કે શાળા સંચાલકો પાસેથી ગ્રાંટની રકમ પરત ન માગો. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, સરકારે શાળા સંચાલકોને ભૂલથી ગ્રાંટ આપી દીધી હોય તો પણ પરત લેવી નહીં. આ નાણાનો ઉપયોગ શિક્ષણ કાર્ય માટે કરવામાં આવેલો છે. ગ્રાટેડ શાળાઓ સરકારે ફાળવેલા નાણાનો ઉપયોગ કરી શકે છે.

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, તેમણે સરકાર સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી આચરેલી નથી. રાજ્ય સરકારને જીઆર હતો અને તેનુ અર્થઘટન કરીને સંબંધિત અધિકારીઓએ ગ્રાંટેડ શાળાઓને નાણાની ફાળવણી કરેલી છે. આ રકમનુ ઓડિટ થઈ ચુકેલુ છે અને હવે પાંચ વર્ષ બાદ સરકાર તે રકમ પરત માગે છે. જે આપવા શક્ય નથી. આ તમામ સંસ્થાઓ એનજીઓ અથવા તો ટ્રસ્ટ સંચાલિત છે, તેમના માટે પાંચ વર્ષ પહેલા ફાળવાયેલી રકમને પરત આપવી મુશ્કેલ છે. બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, શિક્ષણ વિભાગે ફાળવેલી ગ્રાંટની રકમ શાળાઓ પાસે બિનજરુરી રહેલી છે.

બીજી જુલાઈ-1999ના રોજ રાજ્ય સરકારે ગ્રાંટેડ શાળાઓને ફાળવાતી ગ્રાંટની નીતિમાં ફેરફાર કરેલો. જે મુજબ ધો. 1થી 5ની ગ્રાંટેડ શાળાઓને વર્ગદીઠ માસિક રુ. 1800, આ પછી છ થી 30 વર્ગ હોય તો વર્ગદીઠ માસિક રુ. 1500 અને 31થી વધુ વર્ગ હોય તો માસિક રુ. 1000ની રકમ ફાળવવાનુ નક્કી થયેલુ. જો કે, થોડા વર્ષો બાદ સરકારે આ ગ્રાંટને પરત લેવા માટે ગ્રાંટેડ શાળાઓને નોટિસ પાઠવેલી. જેની સામે વર્ષ 2008માં શાળા સંચાલક મંડળે હાઈકોર્ટમાં અરજી કરેલી.

(1:01 am IST)