ગુજરાત
News of Friday, 27th May 2022

અમદાવાદ :NIDના વધુ 2 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે :કુલ 12 કેસ નોંધાયા

2 દિવસ બરોડાની મુલાકાત બાદ ગાંધીનગર આવેલો યુવાન કોરાનાગ્રસ્ત

અમદાવાદ :નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈનમાં આજે વધુ 2 કેસ કોરોનાના નોંધાયા છે. 2 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આ ઉપરાંત સેક્ટર-28માં બરોડાથી આવ્યા બાદ એક યુવાન કોરોનામાં પટકાયો છે. NIDમાં અત્યારસુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે. જ્યારે મહાપાલિકા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કુલ 24 કેસ નોંધાયા છે.

NIDમાં કોરોનાની ચેઈનને તોડવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બહારની વ્યક્તિને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં રહેવાથી કોરોનાથી ચેપગ્રસ્ત થવાની શક્યતા વધુ જોવા મળી રહી છે. ગઈકાલે પણ 5 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જ્યારે આજે વધુ 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા આજેપણ સર્વેલન્સ ચાલુ રાખ્યું હતું. આજે પણ એકસોથી વધુ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

બીજી બાજુ, આવતીકાલે 28મીના રોજ મહાત્મા મંદિર ખાતે સહકાર સમૃધ્ધિ સંમેલનમાં પ્રધાનમંત્રી ગાંધીનગર આવી રહ્યા હોવાથી પણ આરોગ્ય તંત્રની ટેસ્ટીંગની કાર્યવાહી વધી છે. કોરોનાના કારણે પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને લઈ રાજભવન, ફાયરબ્રિગેડ, મહાત્મા મંદિર, પોલીસ, એસપીજી સહિતના ગઈકાલે ગુરુવારે 300 અને આજે વધુ 200 મળીને 500 કર્મચારીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે એકપણ પોઝિટિવ કેસ મળ્યો નથી. આવતીકાલે શનિવારે રાજભવન અને મહાત્મા મંદિર ખાતે આરોગ્યની ટીમ કોરોનાના ટેસ્ટીંગ માટે તૈનાત રહેશે. કોવિડ ગાઈડલાઈન મુજબ મહાત્મા મંદિર ખાતે સાત જેટલી ટીમને તૈનાત રાખવામાં આવશે. જે કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરશે. એટલું જ નહિ તમામને માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

(12:56 am IST)