ગુજરાત
News of Monday, 28th May 2018

રાજ્યોમાં અલગ અલગ સ્થળે અકસ્માતમાં પિતા-પુત્ર સહીત 4 લોકોએ જીવ ગુમાવ્યા

ડીસામાં બે છકડો અથડાઈ ;દાહોદમાં વાહને બાઇકને ટક્કર મારી અને ભાવનગરના સોની પિતા -પુત્રને નડ્યો અકસ્માત

 

અમદાવાદ :રાજ્યમાં અલગ અલગ અકસ્માતના બનાવામાં ચાર લોકોના મોત નિપજ્યા છે આજે  ઉત્તર ગુજરાતના ડીસામાં બે છકડા રિક્ષાઓ વચ્ચે અકસ્માત થયો હતો જ્યારે દાહોદમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. રાજસ્થાનના શ્રીનાથજી નજીક ડમ્પર પલટી મારતા ભાવનગરના પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. આમ અલગ અલગ જગ્યાએ બનેલી અકસ્માતની ઘટનાઓમાં કુલ 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ભાવનગરઃ આઇસ્ક્રીમ લઇને પરત  ફરતા પિતા-પુત્રને નડ્યો અકસ્માત

 રાજસ્થાનના શ્રીનાથજી નજીક ભાવનગરના ધોળાના સોની પરિવારના પિતા પુત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. પિતા-પુત્ર આઇસ્ક્રીમ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે બાજુમાં પસાર થતું ડમ્પર પલટી મારી ગયું હતું. ડમ્પર નીચે દબાઇ જવાથી પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભાવનગરના ધોળાના સોની પરિવારમાં પિતા-પુત્રનું મોત થતાં પરિવારમાં દુઃખની લાગણી ફેલાઇ છે.

ડીસાઃ બે છકડા રિક્ષાઓ એકબીજા સાથે અથડાઇ

  બનાસાકાંઠા જિલ્લાના ડીસામાં ગાયત્રી મંદિર પાસે બે છકડા રિક્ષાની ટક્કર થઇ હતી. સોમવારે બનેલી ઘટનામાં આશરે 9 લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

દાહોદઃ અજાણ્યા વાહને ટક્કર  મારતા બાઈક સવારનું મોત

મળતી માહિતી પ્રમાણે દાહોદના ગરબાડા તાલુકાના પાંચ વાડા ગામે બાઇક અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

(11:04 pm IST)