ગુજરાત
News of Monday, 28th May 2018

પ્રાચીતીર્થ માધવરાય મંદિર મહંત સામે દુષ્કર્મ ફરિયાદ

આંકોલવાડીની પરિણિતા દ્વારા મહંત સામે ફરિયાદઃ ફરિયાદમાં થયેલા આરોપોને લઇને સાધુ-સંત સમાજમાં ખળભળાટ : મહંત ઋષિબાપુ ગોસ્વામી ભૂગર્ભમાં ઉતર્યા

અમદાવાદ,તા. ૨૮: ગીર સોમનાથમાં પાખંડી બાવાએ પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ સાથે સુપ્રસિદ્ધ માધવરાય મંદિરના મહંત ઋષિબાપુ રાજનગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાચીતીર્થ માધવરાય મંદિરના મહંત વિરૂધ્ધ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદને પગલે સમગ્ર સાધુ સમાજ અને સંત સમાજમાં ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, આરોપી મહંત ઋષિબાપુ ગોસ્વામી નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર આરોપ પણ પીડિતા પરિણિતાએ  લગાવ્યો છે. તો, ફરિયાદને પગલે મહંત ઋષિબાપુ રાજનગીરી ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગીર સોમનાથમાં માધવરાય મંદિરના મહંત ઋષિપુરી વિરૂધ્ધ તાલાલા તાલુકાના આંકોલવાડીની પરિણિત મહિલાએ સૂત્રાપાડા પોલીસમથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે, જેમાં મહંત ઋષિબાપુએ તેણીને લગ્નની લાલચ આપી તેના બહાને અવારનવાર મંદિરમાં અને અન્ય સ્થળોએ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. તો, મહંતે તેની સાથે  બળજબરીપૂર્વક માધવરાય મંદિર અને અંબાજી ખાતે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. સાથે સાથે પીડિતાએ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ થતું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. રાજકીય વગ ધરાવતા લંપટ સાધુને બચાવવા નેતાઓ સક્રિય હોવાનું પણ આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. આ મામલે પીડિતાનું કહેવું છે કે, તા.૨૩મીના રોજ ફરિયાદ કરવામાં આવી છતાં હજી સુધી પોલીસે કોઈ પગલાં લીધાં નથી. બળાત્કારી મહંત આરામથી ફરી રહ્યો છે. પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી,આમ આ સમગ્ર કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા રહી છે. પીડિતાએ ફરિયાદમાં એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે, આરોપી મહંત ઋષિબાપુ ગોસ્વામીએ લગ્ન કરવાની લાલચ આપી તેણીની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું પરંતુ તેણી ઇન્કાર કરે ત્યારે તેને ઢોર માર મારતા હતા અને મંદિરમાં એક વખત ગોંધી રાખી મારી હતી. બાદમાં તેણીએ તેના પૂર્વ પતિને ફોન કરી પાખંડી બાવાની ચુંગાલમાંથી છોડાવવા ગુહાર લગાવતાં પૂર્વ પતિ અને તેની માતાએ તેણીને આવીને છોડાવી હતી, એ વખતે પણ મહંતે તેને અને તેના બંને બાળકોને આ વાત જો કોઇને કરી છે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ, પીડિતાના ગંભીર આરોપોને લઇ સમગ્ર સાધુ સમાજમાં પણ ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, પીડિતાની ફરિયાદને પગલે મંદિરના મહંત ઋષિબાપુ ભૂગર્ભમાં ઉતર્યા છે.

(10:09 pm IST)