ગુજરાત
News of Monday, 28th May 2018

નર્મદાના જળ પૂજનથી જળ અભિયાનનું સમાપન કરાશે

૩૧મી મેના દિવસે જળ અભિયાન પરિપૂર્ણઃ સાત જિલ્લાના ગ્રામજનોની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા રૂપાણીની ચર્ચા : અભિયાન સમરસતાનું મહાઅભિયાન

અમદાવાદ,તા.૨૮: ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે નર્મદા જળ પૂજનથી કરાશે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જળ અભિયાન આ રીતે સામાજિક સમરસતાનું પણ મહાઅભિયાન બની રહેશે. તેમણે ભર ઉનાળામાં, ૪૫ ડિગ્રી ગરમીમાં પરસેવો પાડીને જળ અભિયાનમાં યોગદાન આપનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાને ખાસ તૈયાર કરાયેલી કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે કુંવાસણા ગામના નાગરિકો, અમરેલી જિલ્લાના લીલાયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના હાલોલ, આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના ગ્રામીણ લોકો તથા ભરૂચ જિલ્લાના પારખેત ગામના સરપંચ અને લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી જ વાત કરીને સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરીને ગ્રામજનોના પ્રતિભાવો સાંભળ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામજનોના સંતોષ અને ગ્રામજનોએ વ્યક્ત કરેલી હર્ષની લાગણીને ધ્યાને લઈને પુનઃપ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન ચાલુ રખાશે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે એવો વરતારો છે ત્યારે રાજ્યમાં તળાવો-જળાશયો ઊંડા કરવાનું આ અભિયાન ખૂબ લાભદાયી પૂરવાર થશે. જે જિલ્લાઓમાં હજુ કામો ચાલી રહ્યા છે, તે ઝડપભેર પૂર્ણ કરવા તેમણે વહીવટીતંત્રને તાકીદ કરી હતી. વિડિયો કોન્ફરન્સ દરમિયાન ગ્રામજનોએ જળ અભિયાન અંતર્ગત થયેલા કામોથી બહુ જ સંતોષ હોવાની લાગણી વ્યક્ત કરીને આ યોજના કાયમ ચાલુ રાખવા વિનંતી કરી હતી.

જળાશયોની માટી ખેડુતોના ખેતરો માટે આપવામાં આવી રહી છે તેનો ખેડુતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રતિભાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માત્ર નર્મદાના પાણી પર આધાર રાખીને બેસવા કરતાં વરસાદી પાણીનો વધુ ને વધુ સંગ્રહ કરવાના શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ. જળ અભિયાનથી જળાશયો, તળાવો, ચેકડેમો ભરાયેલા રહેશે તો પાણીના તળ ઊંચા આવશે. વરસાદ આવે તે પહેલાં આપણે આ કામ પૂરાં કરવાના છે. બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામના નાગરિકોએ પોતાના આનંદની અભિવ્યક્તિ કરતાં રાજ્ય સરકારના આ કામને ભગીરથ કાર્ય ગણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત ચોમાસામાં પૂર વેળાએ બનાસકાંઠા એક અઠવાડીયું રહીને કરેલા કામોની સ્મૃતિ વાગોળતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ કામથી ખેડુતો ખુબ રાજી છે.

આવનારા દિવસો સારા હશે એવો શુભ સંકેત આપીને ગ્રામજનોએ આગોતરા આયોજનની પ્રશંસા કરી હતી. 

(9:54 pm IST)