ગુજરાત
News of Monday, 28th May 2018

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે જનજીવન સંપૂર્ણ ઠપ થયું

તાપમાન ઘટ્યું છતાં લોકો ભારે ત્રાહિમામ : અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪.૧ : મોબાઇલ એપ પર મહત્તમ તાપમનનો આંકડો વધારે દર્શાવાઈ રહ્યો છે

અમદાવાદ, તા.૨૮ : અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભીષણ ગરમીનો દોર અકબંધ રહ્યો હતો. મહત્તમ તાપમાન અમદાવાદ શહેરમાં ૪૪.૧ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના અન્ય જે વિસ્તારોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં ગાંધીનગરમાં ૪૪, અમરેલીમાં ૪૪નો સમાવેશ થાય છે. બાકી અનેક વિસ્તારોમાં પારો આજે નોંધપાત્રરીતે ઘટી ગયો હતો. હવામાન વિભાગ તરફથી હિટવેવની કોઇ ચેતવણી પણ જારી કરવામાં આવી નથી. બીજી બાજુ સામાન્ય લોકોમાં ચર્ચા છે કે, હવામાન વિભાગ તરફથી તાપમાન માટેના આંકડા યોગ્યરીતે જારી કરવામાં આવી રહ્યા છે. મોબાઇલ એપ ઉપર પારો ખુબ ઉંચો દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી પારો નીચો દર્શાવવામાં આવી રહ્યો છે. આજે સોમવારના દિવસે લોકો બિનજરૃરીરીતે ઘરની બહાર નિકળ્યા ન હતા પરંતુ ઘરમાં પણ લોકોને તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે બીજી બાજુ રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વધતી ગરમી વચ્ચે મે મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ સપાટો બોલાવ્યો છે. પારો અમદાવાદ શહેરમાં ૪૪ની આસપાસ પહોંચ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રોગચાળાએ પણ સકંજો મજબૂત બનાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૨૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૪૭ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૨૬ દિવસમાં ૨૫૩ અને ટાઇફોઇડના  ૨૯૭ કેસ સપાટી ઉપર આવ્યા છે.  બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૬ દિવસના ગાળામાં ૩૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૬૯૪૩૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે.  આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૃરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે.

ગુજરાત : હોટસ્પોટ

અમદાવાદ, તા.૨૮

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૪૪.૧

ડિસા............................................................. ૪૩.૬

ગાંધીનગર....................................................... ૪૪

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૩.૫

વડોદરા........................................................ ૪૩.૭

સુરત............................................................ ૩૬.૮

વલસાડ........................................................ ૩૫.૪

અમરેલી........................................................... ૪૪

ભાવનગર..................................................... ૪૦.૧

રાજકોટ........................................................ ૪૧.૭

સુરેન્દ્રનગર................................................... ૪૩.૩

ભુજ.............................................................. ૩૮.૮

નલિયા............................................................. ૩૫

કંડલા એરપોર્ટ.............................................. ૪૨.૫

કંડલા પોર્ટ....................................................... ૪૧

મહુવા ........................................................  ૩૮.૮

(8:21 pm IST)