ગુજરાત
News of Monday, 28th May 2018

થરાદની નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલ બે ભાઈનો પગ લપસતાં બંનેના મોત

થરાદ: થરાદની નર્મદા નહેરમાં શનિવારે સાંજે પાણી પીવા ઉતરેલા દસ વર્ષના બે માસૂમ બાળકો નર્મદાની મુખ્ય નહેરમાં ગરકાવ થઇ ગયા હતા. ચાર બાળકો પૈકી બે બાળકોએ નજરોનજર આ ઘટના જોયા બાદ બૂમો પાડતા આજુબાજુથી લોકો આવીને બચાવે તે પહેલા બહુ જ મોડું થઇ ગયું હતું. ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. એક કલાકની શોધખોળ બાદ બાળકોની લાશ બહાર કાઢતા ગામ હિબકે ચડ્યું હતું.

થરાદ તાલુકાના જાદલા ગામમાં શનિવારે સાંજે ચેલાભાઇ પરમારનો 9 વર્ષીય રતન અને પથુભાઇ પરમારનો 10 વર્ષનો પુત્ર દશરથ કોઇક કામ અર્થે ખેતરથી એક કિલોમીટર દૂર ગામમાં ગયા હતા. જ્યાંથી ખેતર નજીક રહેતા અન્ય બે બાળકો સાથે ચારેય પરત ફરી રહ્યા હતા તે વખતે દશરથ અને રતન ને તરસ લાગતા બંને કેનાલમાં પાણી પીવા નીચે ઉતર્યા હતા. તેવામાં અચાનક પગ લપસ્તા બંનેમાંથી કોઈ એક કેનાલમાં લપસ્યો હતો જેથી બીજો બચાવવા માટે તેની પાછળ હાથ લંબાવ્યો તો તે પણ કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. તે સમયે ઉપર જે બે બાળકો હતા તેમણે બૂમો પાડતા આજુ બાજુના લોકોએ પરિવારને જાણ કરી હતી. દરમ્યાન પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(5:05 pm IST)