ગુજરાત
News of Monday, 28th May 2018

બલી ચડાવવાના ઇરાદે મહારાષ્ટ્રમાંથી બે બાળાનું અપહરણ: સુરતના કોઠવામાં લવાઈ:વોન્ટેડ આરોપીને બબનની ધરપકડ

ગામ લોકોની જાગૃતિને કારણે બંને બાળકીને ઉગારી લેવાઈ : કોસંબા પોલીસે કોથવા દરગાહ પાસેથી આરોપીની ધરપકડ કરી

સુરત : બલી ચડાવવાના ઇરાદે મહારાષ્ટ્રમાંથી બે બાળાનું અપહરણ કરીને સુરતના કોઠાવામાં લવાયા બાદ ગ્રામજનોની જાગૃતિને કારણે આરોપીને દબોચી લેવાયો છે જેમાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી બબનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

 આ અંગેની મળતી વિગત મુજબ મહારાષ્ટ્રની બે બાળાઓને સુરતના કોઠવા ગામમાં લાવવામાં આવી હતી. અપહરણ પાછળનો ઈરાદો બાળાઓની બલિ ચઢાવવાનો હતો. જોકે, બાળાઓને રડતી જોઈને ગામના લોકોને શંકા ગઈ હતી. બાળકીઓની પૂછપરછ કરતા તેમનું અપહરણ કરીને અહીં લાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.

કિમ ખાતે આવેલા કોથલ ગામની દરગાહ હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે.  દેશભરમાં આ એક જ 52 ગજની દરગાહ છે. અહીં હાલમાં બે બાળકીને રડતા જોઈ દરગાહના સેવક ઇમરાનને શંકા ગઈ હતી. ઇમરાને જ્યારે સવાલ કર્યો ત્યારે બાળકીઓ એ જણાવ્યું કે એક વૃદ્ધ માણસ તેમને તેમના વતનથી અહીં લાવ્યો છે અને તે તેમની બલી ચડાવવા માંગે છે. આ વૃદ્ધને નશાની લત હતી જેથી તે નશાની તલાશમાં બાળકીઓને દરગાહમાં મૂકીને ગયો હતો. જ્યારે તે પરત દરગાહ ઉપર આવ્યો ત્યારે ઇમરાને વૃદ્ધને પકડી પાડી કોસંબા પોલીસને આપી દીધો હતો. 

પોલીસ પૂછપરછમાં ખબર પડી કે સંગના ઠાકરે (8 વર્ષ) અને યોગીતા ઠાકરે (11 વર્ષ)નું બલીના ઇરાદે અપહરણ કરાયું હતું. પોલીસને જાણ થઈ કે મહારાષ્ટ્રના સાહદા ખાતેથી બે બાળકીનું અપહરણ કરાયું હતું. છેલ્લા 5 દિવસથી બંને બાળકીઓ ગુમ થઈ હતી. અપહરણ કરનાર વૃદ્ધનું નામ બબન ભીમા પાવરા છે. તે સુરત રેલવે સ્ટેશન પર બન્ને બાળાઓ સાથે ઉતરી ગયો હતો અને કિમની બસમાં બેસી કિમ દરગાહ લઈ ગયો હતો. રમઝાનના પવિત્ર મહિનાને કારણે અહીં જરૂરિયાત મંદ લોકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. અહીં આ બાળકીઓને બેસાડી ભીમો શરાબની ખોજમાં ગયો હતો. આ બન્ને બાળકી રડવા લાગતા દરગાહના સેવક ઇમરાનની તેમની પર નજર પડી અને રડવાનું કારણ પૂછ્યું હતું અને આખો મામલો બહાર આ્વ્યો હતો.

   સમગ્ર હકીકત જાણ્યા બાદ ગામલોકોએ ને પોલીસને જાણ કરી હતી. પોલીસે ગામમાં પહોંચીને બબન નામના આરોપીની ધરપકડ કરી હતી અને બંને બાળાઓનો છોડાવી હતી. નોંધનીય છે કે ધરપકડ કરવામાં આવેલો બબન પોલીસના ચોપડે વોન્ટેડ આરોપી છે. બબનની પોતાના જ બાળકની બલિ ચઢાવવા મામલે ધરપકડ થઈ ચુકી છે.

  અપહરણ કરવામાં આવેલી બંને બાળાઓને મહારાષ્ટ્રથી લાવવામાં આવી હોવાથી સુરત પોલીસે બંનેનો કબજો લઈને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી છે. મહારાષ્ટ્રના સાહદાથી આ બંને બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસે કોથવા દરગાહ પાસેથી આરોપીની ધરપકડ કરી હતી.

   બંને બાળાઓના પિતાએ જણાવ્યું હતું કે, "21મી તારીખે સવારે પાંચ વાગ્યે બંને છોકરીઓ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બાદમાં આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. સ્થાનિક ન્યૂઝ પેપર્સમાં પણ સમાચાર છપાયા હતા. તેની સાથે વોટ્સએપમાં પણ બાળકીઓ ગુમ થયાની માહિતી આપવામાં આવી હતી. બાદમાં સુરતથી કિમ કઠવા દરગાહથી મને ફોન આવ્યો હતો કે બે બાળકી મળી આવી છે. મેં બંનેની નામ સહિતની માહિતી આપી હતી. સુરત આવીને તપાસ કરતા બંને બાળકીઓ મારી જ હોવાનું માલુમ પડ્યું હતું."

(4:31 pm IST)