ગુજરાત
News of Monday, 28th May 2018

ધોરણ-10માં ફરી છોકરીઓએ મેદાન માર્યું : ગણિત - અંગ્રેજીનું રિઝલ્ટ ઓછું : સુરત જિલ્લો સૌથી આગળ: દાહોદ સૌથી પાછળ

રાજકોટ ;ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે આ વર્ષે રિઝલ્ટ 67.50 રિઝલ્ટ આવ્યું છે. કુલ 7,90,240 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 5,33,414 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે, ગત વર્ષે નાપાસ થયેલા જે વિદ્યાર્થીઓએ આ વખતે ફરી પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર 14.18 ટકા સ્ટૂડન્ટ્સ પાસ થયા છે.

   અગાઉથી જેની આશંકા હતી તે પ્રમાણે આ વખતે ગણિતનું રિઝલ્ટ સૌથી ઓછું આવ્યું છે. મેથ્સમાં આ વખતે 68.26 ટકા સ્ટૂડન્ટ્સ જ પાસ થયા છે. આ ઉપરાંત, ઈંગ્લિશનું પરિણામ પણ સૌથી ઓછું રહ્યું છે. ઈંગ્લિશમાં આ વખતે 71.21 ટકા સ્ટૂડન્ટસ પાસ થયા છે. ઈંગ્લિશ પછી સૌથી ઓછું રિઝલ્ટ સાયન્સ અને ટેક્નોલોજીનું આવ્યું છે. આ વિષયમાં 71.42 ટકા સ્ટૂડન્ટ્સ પાસ થયા છે.

   આ વખતે અમદાવાદ શહેરનું પરિણામ 72.42 ટકા આવ્યું છે, જ્યારે જિલ્લાનું પરિણામ 70.77 ટકા રહ્યું છે. શહેરની 15 સ્કૂલો સો ટકા રિઝલ્ટ લાવી છે, જ્યારે જિલ્લામાં આ સંખ્યા 26 છે. બીજી તરફ, ઝીરો ટકા રિઝલ્ટ લાવનારી સ્કૂલોની સંખ્યા શહેરમાં 2 જ્યારે જિલ્લામાં ત્રણ નોંધાઈ છે. અમદાવાદના કાંકરિયા સેન્ટરનું રિઝલ્ટ સૌથી વધુ 94.01 ટકા, જ્યારે ગોમતીપુર સેન્ટરનું સૌથી ઓછું 55.38 ટકા રિઝલ્ટ આવ્યું છે.

   આ વખતે સુરત જિલ્લાનું સૌથી વધુ 80.06 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 37.35 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા પણ આ વખતે ઘટી છે. ગત વર્ષે 451 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે આ વખતે આ સંખ્યા 368 રહી છે.

   આ વર્ષે 6378 સ્ટૂડન્ટ્સને એ1 ગ્રેડ આવ્યો છે, જ્યારે એ2 ગ્રેડ લાવનારા સ્ટૂડન્ટ્સની સંખ્યા 33,956 નોંધાઈ છે. બી1 ગ્રેડ લાવનારા સ્ટૂડન્ટ્સની સંખ્યા 72,739, બી2 1,27,110, જ્યારે 1,72,350 સ્ટૂડન્ટ્સને સી1 ગ્રેડ આવ્યો છે. સી2 ગ્રેડ લાવનારાની સંખ્યા 1,13,932 છે જ્યારે 6937 સ્ટૂડન્ટ્સને ડી ગ્રેડ આવ્યો છે.

   છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહેલો ટ્રેન્ડ આ વર્ષે પણ યથાવત રહ્યો છે. આ વર્ષે છોકરીઓનું પરિણામ 72.69 ટકા આવ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 63.73 ટકા આવ્યું છે. આ ઉપરાંત, ઈંગ્લિશ મીડિયમનું પરિણામ પણ 90.12 ટકા જેટલું ઉંચું આવ્યું છે, જ્યારે ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ 65.16 ટકા રહ્યું છે. ગુજરાતી માધ્યમની સરખામણીએ હિન્દી માધ્યમનું પરિણામ પણ ઉંચું છે.

(1:59 pm IST)