ગુજરાત
News of Monday, 28th May 2018

આઈ.એ.એસ. કેડરના ૩ અધિકારીઓ વિદેશ તાલીમમાં

ગાંધીનગર, તા. ૨૮ :. ગુજરાત કેડરના અગ્રસચિવ દરજ્‍જાના ત્રણ સિનીયર આઈએએસ એ.કે. રાકેશ, કમલ દયાણી અને એસ.જે. હૈદર ટૂંકી મુદતની તાલીમ માટે અમેરિકા જઈ રહ્યા છે. આ ત્રણે અધિકારીઓ કેલિફોર્નિયા યુનિવર્સિટી, બારકલે ખાતે જઈ રહ્યા છે. જેઓ ત્રીજી જૂને જશે અને ૧૬મી જૂને પરત આવશે. ૧૯૮૯ બેચના એ.કે. રાકેશ કમિશનર, કુટિર તથા ગ્રામોદ્યોગ તરીકે ફરજ બજાવે છે, જ્‍યારે ૧૯૯૦ બેચના કમલ દયાણી સામાજિક ન્‍યાય તથા અધિકારિતા વિભાગમાં અને ૧૯૯૧ બેચના એસ.જે. હૈદર ટુરિઝમ વિભાગમાં વડા અધિકારી તરીકે ફરજ બજાવે છે. આ સાથે ૨૦૧૮ના વર્ષમાં એક વર્ષની ટ્રેનિંગ માટે ગુજરાત કેડરના ત્રણ અધિકારીઓની દરખાસ્‍તો મંજુર થઈ છે, જેમાં યુવા કપલ-મનીષા ચંદ્રા કે. કે. નિરાલા અને પી. સ્‍વરૂપનો સમાવેશ થાય છે. મનીષા ચંદ્રા તથા કે.કે. નિરાલા લંડનની કિંગ્‍ઝ કોલેજ ખાતે એક વર્ષના અભ્‍યાસક્રમમાં જોડાશે. જ્‍યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર પી. સ્‍વરૂપે મોટાભાગે જુલાઈમાં યુએસ એક વર્ષની તાલીમ માટે જશે.

દરમિયાન ૨૦૧૭માં એક વર્ષની તાલીમ માટે વિદેશ ગયેલા આઈએએસ અધિકારી વિજય નહેરા ગત અઠવાડિયે પરત આવી ગયા છે. જો કે હાલ એમને કોઈ નવું પોસ્‍ટિંગ અપાયું નથી. જ્‍યારે ઓસ્‍ટ્રેલિયા એક વર્ષની તાલીમ માટે ગયેલા અન્‍ય આઈએએસ અધિકારી અનુપમ આનંદ જુલાઈમાં પરત આવશે એમ જણાવાઈ રહ્યું છે.

 

 

(10:25 am IST)