ગુજરાત
News of Monday, 28th May 2018

શમા નવી વેબ સિરિઝ 'અબ દિલ કી સુન'માં જોવા મળશે

અભિનેત્રી શમા સિકંદર શહેરની મુલાકાતે આવી : સાત શોર્ટ ફિલ્મની એવી આ વેબ સિરિઝમાં સંવેદનશીલ સમસ્યાઓની વાત ખાસરીતે રજૂ કરવામાં આવી : રિપોર્ટ

અમદાવાદ,તા. ૨૭ : વેબ સિરિઝ અને 'માયા' જેવી ફિલ્મોમાં કામ કરીને વિશેષ ઓળખ મેળવનાર અભિનેત્રી શમા સિકંદર 'અબ દિલ કી સુન'માં જોવા મળશે. આ સાત શોર્ટ ફિલ્મની સિરિઝ રહેશે અને પ્રત્યેક ફિલ્મની લંબાઇ પાંચથી ૧૪ મીનીટની છે, જેમાં એવી સમસ્યાઓ અંગે વાત કરવામાં આવી છે જે નવી પેઢીને માનસિક બિમારીમાં ધકેલી રહી છે. અમદાવાદની મુલાકાતે આવેલી શમાનું કહેવું છે કે આ ફિલ્મ તેમની લાઇફ ઉપર આધારિત છે. પોતાના હોમ પ્રોડક્શનનો આ પ્રથમ પ્રોજેક્ટ અબ દિલ કી સુન તેના પોતાના જીવનની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. તેણે ઉમેર્યું હતું કે, આ સિરિઝ તેમના માટે ઘણી પડકારજનક રહી કારણકે તેમાં મારી જીંદગી છે અને હું તમામ અનુભવોને પહેલા વાસ્તવિક જીવનમાં એહસાસ કરી ચૂકી છે. મેં પ્રામાણિકપણે મારી ભુમિકા ભજવી છે અને દરેક ક્ષણોને અનુભવી છે. શમાએ વધુમાં ઉમેર્યું કે, તેના જીવનમાં તે નિષ્ઠાપૂર્વક કોઇપણ અભિનય કે પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહી છે. તે કોઇ એક છબી કે ઇમેજમાં બંધાવવા માંગતી નથી અને તેથી જ અનેકવિધ ભૂમિકાઓ મારફતે તે દર્શકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. તે અસલ જીંદગીમાં પણ સચ્ચાઇ સાથે જ જીવવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટીવી સિરિયલો અને બોલીવુડ ફિલ્મોમાં ઉગતી અભિનેત્રીઓમાં શમા સિકંદરે તેના અદ્ભુત અભિનય અને કામગીરીના કારણે ટૂંકા ગાળામાં જ લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે.

(9:39 pm IST)