ગુજરાત
News of Monday, 28th May 2018

એશિયાનો સૌથી મોટો રબર એક્સ્પો વર્ષ ૨૦૧૯માં થશે

રબર ઉદ્યોગનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન : જીવંત રબર ઉદ્યોગ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતુ બીજું અર્થતંત્ર : વિશ્વના ઉદ્યોગસાહસિકો આ એક્સ્પોમાં આવશે

અમદાવાદ,તા. ૨૭ : ભારતીય રબર ઉદ્યોગને વધુ વિકસાવવા, તેને પ્રોત્સાહન આપવા અને આ ઇન્ડસ્ટ્રીઝના હિતોનું રક્ષણ કરવાના ઉમદા આશય સાથે ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૧૯માં મુંબઇ ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ડિયન રબર એક્સ્પો-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ રબર એક્સ્પો પ્રદર્શનમાં મુંબઇ ખાતે આશરે ૨૬,૦૦૦ ચોરસ મીટરનાં પ્રદર્શન એરિયામાં ૩૦૦ પ્રદર્શકો જેટલા તેમનાં સ્ટોલ  ઊભા કરશે અને તેના મારફતે રબર ઉદ્યોગની ઝીણામાં ઝીણી અને લેટેસ્ટ અપડેટ્સ માહિતી પ્રદર્શનના હજારો મુલાકાતીઓને પૂરી પાડશે. ઇન્ડિયન રબર એક્સ્પો-૨૦૧૯ અનુસંધાનમાં એસોસીએશન દ્વારા અમદાવાદ શહેરમાં ઇન્ડિયન રબર એક્સ્પો-૨૦૧૯ના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે સમગ્ર વર્ષ દરમ્યાન એસોસીએશન દ્વારા પંદરથી વધુ રોડ શો દેશના વિવિધ શહેરોમાં યોજવામાં આવશે અને તેના મારફતે ઇન્ડિયા રબર એક્સ્પો ૨૦૧૯માં સહભાગી થવા વધુને વધુ લોકોમાં જાગૃતિ લાવવા અને ઉદ્યોગ સાહસિકોને એકમંચ પર આવવા પ્રોત્સાહિત કરાશે. આઇઆરઇ-૨૦૧૯નાં ચેરમેન તથા ઓરિએન્ટલ રબર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડનાં ચેરમેન વિક્રમ મકાર અને વાઇસ પ્રેસીડેન્ટ વી.ટી.ચંદ્રશેખરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધ ઇન્ડિયન રબર એક્સ્પો (આઇઆરઇ) એશિયાનો સૌથી મોટો રબર એક્સ્પો છે. તેની શરૂઆત વર્ષ ૨૦૦૧માં થઈ હતી અને અત્યારે રબર ઉદ્યોગમાં વિકાસની નોંધનીય હરણફાળ નોંધાઇ છે. મુંબઇ ખાતે આંતરારાષ્ટ્રીય કક્ષાના ઇન્ડિયન રબર એક્સ્પો-૨૦૧૯ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને પૂર્ણ કરવા હરણફાળ ભરશે, જેમાં ઇન્ડિયન રબર એક્સ્પો, મુંબઈમાં સામેલ થવા દુનિયાભરનાં ઉદ્યોગનાં વ્યાવસાયિકોને આવકારવામાં આવશે. ભારતીય કંપનીઓને વિદેશી કંપનીઓ સાથે જોડાણ કરવા અને તેમનાં પ્રતિનિધિઓને મળવા આ એક્સ્પો વિશિષ્ટ પ્લેટફોર્મ ઓફર કરે છે. જીવંત રબર ઉદ્યોગનાં અભિન્ન અંગ તરીકે આઇઆરઇ ભારતની પોતાની પોઝિશનનો સ્પષ્ટ સંકેત છે, જે દુનિયામાં બીજું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આઇઆરઇ રબર ઉદ્યોગમાં ટેકનોલોજીમાં અત્યાધુનિક વિકાસને પ્રદર્શિત કરશે અને બજારની વર્તમાન સ્થિતિ, સુવિધાઓ અને સંશોધન અને વિકાસ પર સેવાઓ તથા ગુણવત્તા નિયંત્રણ પર વાત રજૂ કરશે. તેમાં ઉદ્યોગ સાહસિકોને રબર ઉદ્યોગ સાથે સંબંધિત સરકારનાં નીતિનિયમો અને નિયંત્રણોમાં થતાં ફેરફારો વિશે માહિતી આપવાની તક પણ મળશે. આ રબરનાં નાનાં અને મોટાં વ્યવસાયો માટે નેટવર્ક ઊભું કરવા અને વિચારોનું આદાનપ્રદાન કરવા મોટી તક પ્રસ્તુત કરશે. ગુજરાતમાં તૈયાર બજાર અને મૂલ્ય સંવર્ધન સાથે આ એક્સ્પો ક્ષેત્રની વૃદ્ધિ માટે જરૂરી તમામ બાબતો પ્રદાન કરશે, પછી તે તૈયાર બજાર હોય, ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમ હોય કે પછી મજબૂત ભૌતિક માળખું હોય. ગુજરાતમાં ઉદ્યોગની ઇકોસિસ્ટમ અત્યાધુનિક ઉત્પાદન ટેકનોલોજી માટે ઉપભોક્તા છે, જેનું પ્રદર્શન થશે.  દરમ્યાન આઇઆરઇ ૨૦૧૯નાં મુખ્ય સંયોજક વિષ્ણુ ભીમરાજકા અને ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાં પ્રેસિડન્ટ કમલ ચૌધરીએ જણાવ્યું હતુંકે, રબરનું બજાર મજબૂત સ્થિતિમાં છે અને ધ ઇન્ડિયા રબર એક્સ્પો (આઇઆરઇ)-૨૦૧૯ રબર ઉદ્યોગનાં પ્રતિભાશાળી લોકોનેએકમંચ પર લાવવાનું વિશ્વકક્ષાનું મોટું પ્રદર્શન છે. એક્સ્પો નવા વિચારો, નવીનતા અને ઉત્પાદનોનું કેન્દ્ર છે, જેમાં મુખ્ય ઉત્પાદકો અને નિર્ણયકર્તાઓ માટે વિસ્તૃત ઇકોસિસ્ટમ ઊભી કરવા દુનિયાનું સંપૂર્ણ કેનવાસ સંકળાયેલું છે. આ એક્સ્પો વિવિધ કંપનીઓનેએકછત હેઠળ તેમનાં ઉત્પાદનની કુશળતા પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરે છે. ધ ઇન્ડિયન રબર એક્સ્પો (આઇઆરઇ) એશિયાનો સૌથી મોટો રબર એક્સ્પો છે. તેની શરૂઆત વર્ષ ૨૦૦૧માં થઈ હતી.રબર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ ૫૫૦૦થી વધુ યુનિટ કાર્યરત છે અને આ ઉદ્યોગમાં ટાયર, ટયબુ સહિતના ૩૦ હજારથી વધુ રબરના વિવિધ પ્રકારો વિશ્વભરમાં ઉપયોગમાં લેવાઇ રહ્યા છે.

(9:41 pm IST)