ગુજરાત
News of Monday, 28th May 2018

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ‘પાટીદાર મહાપંચાયત’માં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનાં માતા પર કરેલ ‘અભદ્ર’ ટિપ્પણીથી રોષે ભરાયા ભાજપી કાર્યકરો : અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ઘેર્યું : વિરજી ઠુમ્મર માફી માંગે અને રાજીનામું આપે તેવી કરી માંગ

અમદાવાદ : સુરેન્દ્રનગરના માટી માલવણ ગામે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા શનિવારે ‘પાટીદાર મહાપંચાયત’ યોજાઈ હતી. જેમાં પાટીદાર નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપને નિશાન બનાવ્યો હતો. મીડિયા અહેવાલો મુજબ, વિરોધના અતિરેકમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર વિરોધ કરવામાં વિવેક ભૂલ્યા હતા અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા વિવાદ ઊભો થયો છે. ઠુમરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતાને લઈને કરેલી ટિપ્પણીએ ભારે વિવાદ ઊભો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યના આ નિવેદન બાદ આજે રવિવારે ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોએ અમદાવાદમાં પાલડી ખાતે આવેલા કોંગ્રેસ ભવન પર ધસી જઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને વિરજી ઠુમ્મર માફી માગે તેવી માગ કરી હતી. સાથે જ તેમણે વિરજી ઠુમ્મરના રાજીનામાની પણ માગ કરી હતી.

વિરજી ઠુમ્મરે સંબોધન દરમિયાન કહ્યું કે, ‘પાટીદાર સમાજના બીજેપીના ધારાસભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ વાઘાણીએ જે શબ્દો કાઢ્યો છે, મને લાગે છે વાઘાણી તારી મા કદાચ પાટીદાર નહીં હોય, નહીંતર આ શબ્દો તારા ન નીકળે.’

ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઠુમરના આવા શબ્દોના પ્રયોગ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માફીની માગ કરતા કહ્યું કે, ‘કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જે અભદ્ર રીતે જીતુભાઈ વઘાણી માટે ટિપ્પણીઓ કરી છે, તેનો હું વિરોધ કરું છું. તેમાં કોંગ્રેસની હલકી માનસિકતા પ્રદર્શિત થઈ છે. એમણે માફી માગવી જોઈએ. રાજકારણમાં આ હદની વાત વ્યાજવી નથી. હું વિરજી ઠુમ્મરના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢું છું.’

તો જીતુ વાઘાણીએ વિરજી ઠુમ્મરના નિવેદન અંગે કહ્યું કે, આવા નિવેદનથી કોંગ્રેસની માનસિકતા સામે આવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની માનસિકતા જ વિકૃત છે.

(8:43 pm IST)