ગુજરાત
News of Monday, 28th May 2018

ભરૂચમાં રમઝાન માસમાં એકતાનું અનોખું ઉદાહરણ : ઝુબેરે પુત્ર ગુમાવ્યો પણ હિન્દૂ બાળકનો જીવ બચાવ્યો

ઝુબેરના પુત્રનું અકસ્માતમાં મોત પણ બાઇકમાં લિફ્ટ લઈને બેઠેલા 12 વર્ષના બાળકનો જીવ બચાવવા તબીબી ખર્ચ પણ ઉઠાવ્યો

ભરૂચ: ભરૂચમાં રમઝાન માસમાં અનોખી એકતાનું ઉદાહરણ મળ્યું છે ભરૂચના એક મુસ્લિમ પરિવારે અકસ્માતમાં પોતાનો દિકરો ગુમાવ્યો હતો પરંતુ  બાળકનો જીવ બચાવી લીધો. બે ત્રણ દિવસ પહેલા જંબુસર બાયપાસ પાસે 34 વર્ષના ઝુબેરનું અકસ્માત થયું. ઝુબેરનું ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. જો કે તેની પાછળ બેઠેલા એક 12 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઝુબેરનો પરિવાર દિકરાના મોતથી ખુબ દુ:ખી હતો ત્યારે બીજી તરફ દિકરાની બાઇક પાછળ બેઠેલા બાળકનો જીવ પણ તેમણે કોઈ પણ ભોગે બચાવવો હતો.

   સૌથી મહત્વની વાત એ છે કે ઝૂબેરની બાઈક પાછળ જે બાળક બેઠો હતો તે તેમના પરિવારનો ન હતો. આ બાળકનું નામ રાજેશ છે, અને ઝુબેરે રસ્તામાં તેને લિફ્ટ આપી હતી. 12 વર્ષના આ બાળક રાજેશને  જો કે તેને લિફ્ટ આપ્યા બાદ બન્નેનો અકસ્માત થયો. ઝુબેર રાજેશને તેની જગ્યાએ તો છોડી ન શક્યો પણ આ દુનિયા છોડીને જતો રહ્યો. અકસ્માતમાં રાજેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઝૂબેરના પરિવારે નક્કી કરી નાખ્યું કે દિકરો તો ન બચ્યો પરંતુ આ બાળકને કોઈ પણ ભોગે બચાવવો જ છે.

   રમજાન મહિનો હોવા છતાં રોજા રાખ્યા હોવા છતાં આ મુસ્લિમ પરિવારે ખડે પગે ઊભા રહીને હિન્દૂ બાળકની તમામ સારવારનો ખર્ચ ઉઠાવ્યો  અને ખાનગી હોસ્પિટલમાં તેના ત્રણ ઓપરેશન કરાવી તેનો જીવ બચાવ્યો. તેમજ હવે પછી આ અનાથ બાળકને પગભર કરવા અને આગળનો બધો ખર્ચ ઉપાડવા પણ તૈયારી દર્શાવી છે. લોકો કહી રહ્યાં છે કે આ મુસ્લિમ પરિવારે તો ખરા અર્થમાં ખુદાની બંદગી કરી છે

(8:45 pm IST)