ગુજરાત
News of Wednesday, 28th April 2021

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર- ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૭૦૦ જેટલી ટીમો દોડતી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા ઘર આંગણે જ  સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને  સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા ૭૦૦ જેટલી ટીમો થકી કોવિડ-૧૯ ની ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. તેની સાથોસાથ  નોવેલ કોરોના સામે રક્ષણ મેળવવાં કોરોના વેક્સીન અવશ્ય મૂકાવવાં ઉપરાંત અવશ્ય માસ્ક પહેરવાં, વારંવાર સેનીટાઇઝેશન કરવાં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં તેમજ સરકારશ્રીની માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવા પણ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં થઇ રહેલી આ કામગીરીના ભાગરૂપે આજે ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર ખાતે ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરી રહેલા હરેશભાઇ કનકસિંહભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ટીમ થકી કરવામાં આવી રહી છે, જેમાં તાવ, માથાનો દુખાવો, શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સ્થળ પર જ દવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સર્વેલન્સમાં Pulse Oximeter અને  Thermal Gun નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમિયાન  જો SPO2, 95 ટકા કરતાં ઓછું આવે અથવા ગંભીર બિમારીવાળા દરદીઓ મળી આવે તો તેઓને તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તાત્કાલિક  ધોરણે સારવાર અર્થે મોકલી આપવામાં આવે  છે.

(11:20 pm IST)