ગુજરાત
News of Wednesday, 28th April 2021

રાજ્યમાં લોકડાઉનના અમલ માટે શહેરોમાં પોલીસના ધાડા

રાજ્યના ૨૯ શહેરોમાં મિનિલોકડઉનનો કડક અમલ : નિયંત્રણો ૫ મે સુધી અમલી રહેશે, કાયદાના અમલ માટે પોલીસકર્મીઓએ વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કર્યું

અમદાવાદ, તા. ૨૮ :  ગુજરાતના ૨૯ શહેરોમાં આજથી મિની લોકડાઉનનો પ્રારંભ થઈ ગયો છે. સીએમ વિજય રુપાણીએ ગઈકાલે જ આ તમામ ૨૯ શહેરોમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો તેમજ બજારો બંધ રાખવા માટે આદેશ આપ્યો હતો. જેનું પાલન કરાવવા માટે અમદાવાદ, સુરત તેમજ રાજકોટ જેવા શહેરોમાં આજ સવારથી જ પોલીસના ધાડેધાડા રસ્તા પર ઉતરી પડ્યા હતા. આજથી લાગુ કરાયેલા નિયંત્રણો ૦૫ મે સુધી અમલમાં રહેશે.

અમદાવાદ સહિતના શહેરોમાં પાનના ગલ્લા તેમજ ચાની કિટલી ઘણા સમય પહેલા જ બંધ કરાવી દેવાયા છે. અમદાવાદ જેવા શહેરોમાં બે દિવસ પહેલા સલૂનો તેમજ બ્યૂટિપાર્લર પણ બંધ કરાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વકરી રહ્યું છે, ત્યારે બજારમાં વારંવાર થતી ભીડને કારણે પણ કેસો વધી રહ્યા હોવાનું જણાતા તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા હતા.

લોકો બિનજરુરી ઘરની બહાર ના નીકળે તેમજ બજારોમાં ભીડ એકઠી ના થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે તે સુનિશ્ચિત કરવા માટે આજે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. જે દુકાનો સરકારે મનાઈ કરી હોવા છતાંય ખૂલી હતી તેમને પણ આજે પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.

અમદાવાદ પોલીસ કમિશનરે પણ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર, શહેરમાં દવાખાના, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર, મેડિકલ સેવા, ઓક્સિજન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન, શાકભાજી, કરિયાણાની દુકાનો તેમજ અન્ય જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો કે ઓફિસો ચાલુ રહેશે. જોકે, આ ગાળા દરમિયાન રેસ્ટોરાં, સલૂન, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, થિયેટર, મોલ, માર્કેટિંગ યાર્ડ અને બજારો બંધ રહેશે.

અત્યારસુધી રાજ્યના આઠ મહાનગરો સહિત કુલ ૨૦ શહેરોમાં નાઈટ કરફ્યૂ હતો. જેનો વ્યાપ હવે વધારીને ૨૯ શહેરોમાં કરી દેવાયો છે. ગઈકાલે થયેલી જાહેરાત અનુસાર, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વીરમગામ, છોટા ઉદેપુર તેમજ વેરાવળ-સોમનાથમાં પણ આજથી નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવાયો છે.

મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટક જેવા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન મૂકીને લોકોના ઘરની બહાર નીકળવા પર પણ કડક નિયંત્રણ મૂકી દેવાયા છે. જોકે, ગુજરાતમાં સરકારે મિની લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો છે. જેમાં લોકોના ઘરની બહાર નીકળવા પર તો પ્રતિબંધ નથી, પરંતુ બજારોમાં જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરાવી દેવાતા લોકોની ભીડ ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત, કોરોનાએ ભયાનક સ્વરુપ ધારણ કર્યું હોવાથી લોકો પણ ડરના માર્યા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય  રુપાણીએ ગઈકાલે પોતાના ફેસબુક લાઈવ પર જણાવ્યું હતું કે, લોકો કામ સિવાય ઘરની બહાર ના નીકળે. તેમણે પ્રજાને એવું આશ્વાસન પણ આપ્યું હતું કે રાજ્યમાં બેડ, ઓક્સિજન તેમજ રેમડેસિવિયર મેળવવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ કોઈએ ડરવાની જરુર નથી. સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહી છે.

 

 

કોરોના વચ્ચે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો યથાવત

પોલીસ કર્મચારીઓ ખડેપગ : વધી રહેલી ગરમીની વચ્ચે ૧૦૮ અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે ડોમ બનાવાયા

અમદાવાદ, તા. ૨૮ : કોરોનાના સુનામી વચ્ચે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈન યથાવત છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓએ સારવાર મેળવવા માટે પણ રાહ જોવી પડી રહી છે. કોવિડ હોસ્પિટલની બહાર ૩૦ થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં કોરોનાના દર્દીઓ સારવાર માટે લાઇન લગાવી ઉભેલા જોવા મળી રહ્યા છે.

એક તરફ વધતા કેસો બીજી તરફ વધી રહેલી ગરમી વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને લાંબી લાઈનમાં ઉભા રહેવામાં વધુ મુશ્કેલી ના પડે તે માટે ડોમ બાંધવામાં આવ્યા છે. આરએસએસના સ્વયંસેવકો અને શાહીબાગ પોલીસની ટીમ તરફથી પણ દર્દીઓના સ્વજનો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જરૂરી તમામ મદદ કરાઈ રહી છે.

શાહીબાગ પોલીસ દ્વારા સતત નોન મેડિકલ કામકાજમાં મદદ તેમજ દર્દીઓના સ્વજનો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. શાહીબાગ પોલીસ દ્વારા વિનામૂલ્યે પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી છે. સિવિલ કેમ્પસમાં આવેલી તમામ કોવિડ હોસ્પિટલમાં સતત પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે આરએસએસના સ્વયંસેવકો અને પોલીસકર્મીઓ દ્વારા સંકલન કરાવવામાં આવે છે. પોલીસ અને આરએસએસના સ્વયં સેવકોની કામગીરીથી હોસ્પિટલના ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફને પણ મળી મદદ રહી છે.

(8:07 pm IST)