ગુજરાત
News of Wednesday, 28th April 2021

સુરત સિવિલ હોસ્પિટલ પણ ફુલ થઈ જતા 108માં આવેલા કોરોના દર્દીને સારવાર આપવાની ના પાડી અને તેને બીજી હોસ્પિટલમાં જવા માટે પણ કહી દીધું

સુરતઃ રાજયમાં હાલ કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે ધરખમ વધારો જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ રાજયના ઘણા એવા હોસ્પિટલો ફુલ થઈ ગયા છે. ત્યારે આજે સુરતના સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરત સિવિલની બહાર એક એમ્બ્યુલન્સ કોરોના દર્દીને લઈને આવી હતી તેને પણ ગેટ પરથી પાછી મોકલી દેવામાં આવી હતી.

રાજયમાં કોરોનાના કેસો વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. જેના કારણે દર્દીઓને દાખલ કરાવવા માટે સગા સંબધીઓ આમ તેમ રખડતા જોવા મળી રહ્યા છે. જો કે, હાલ સુરત અને અમદાવાદમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો વધતા શહેરની તમામ હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે જેથી લોકોમાં ભારે હાલાકી પણ જોવા મળી રહી છે. જો કે, આજ સુરત સિવિલ હોસ્પિટલ પણ ફુલ થઈ જતા 108માં આવેલા કોરોના દર્દીને સારાવાર આપવાની ના પાડી હતી અને તેને બીજી હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.

હોસ્પિટલમાં દાખલ થવા માટે 108ની જરૂર નહીં

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજરોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્ય અધિક સચિવ ડૉ રાજેન્દ્રકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં હાલમાં રાજ્યની કોવિડ સ્થિતિને પહોંચી વળવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે.

કોરોનાની ચેઈન તોડવા માટે ગુજરાતમાં આંશિક લૉકડાઉન

ગુજરાતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજથી આંશિક લૉકડાઉનની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યના 8 મહાનગર અને 29 શહેરોમાં આજે રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ આજે એટલે કે બુધવારથી આગામી 5મીં મે સુધી મેડિકલ, ડેરી, કરિયાણું, શાકભાજી અને ફળો સિવાય તમામ દુકાનો, મૉલ, મલ્ટીપ્લેક્સ, મંદિરો અને જીમ વગેરે બંધ રાખવામાં આવશે.

(5:01 pm IST)