ગુજરાત
News of Wednesday, 28th April 2021

અમદાવાદમાં DRDO સંચાલિત ૮૫૦ બેડવાળા ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં વોર્ડ બોય-આયાની ભરતી કરાશેઃ ૮ કલાકની ડ્યુટીમાં ૨૯,૪૦૦ રૂપિયા ચુકવાશે

અમદાવાદ: શહેરમાં આવેલી DRDO સંચાલિત 950 બેડ ધનવંતરી કોવિડ હોસ્પિટલ માટે વોર્ડ બોય / આયાની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. જેમાં 8 કલાકની ડ્યુટી માટે માસિક 29,400 રૂપિયા ચુકવવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આમાં અનુભવી લોકોને પ્રાધાન્ય આપવાની શરત છે પરંતુ જો અનુભવ નહી હોય તો પણ તેમની પસંદગી કરવામાં આવશે.

વોર્ડ બોય / આયાની 250 જગ્યાઓ માટે આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી વોટ્સએપના માધ્યમથી અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઇન માધ્યમથી જ નિમણુંક કરવામાં આવશે. નિમણૂક મેળવનારને રહેવા તેમજ જમવાનું વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત પગાર પણ ચુકવવામાં આવશે.

25 કે તેથી વધુ ઉંમરના લોકો અરજી કરી શકશે. પસંદગી પામ્યાંના દિવસથી જ કામગીરીમાં જોડાવાનું રહેશે તેવી પણ શરત કરવામાં આવી છે. નિમણુંક મેળવનાર અધવચ્ચેથી નોકરી છોડે તો ચાલુ માસનો પગાર મળવાપાત્ર નહીં રહે તેવી શરત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સરકારમાં મેડિકલ સ્ટાફની મોટી અછત પ્રવર્તી રહી છે ત્યારે આ ફિલ્ડનાં ન હોય તેવા લોકોને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જો કે આ નોકરી કોન્ટ્રાક્ટ બેઝ રહેશે. આ હોસ્પિટલ કાર્યરત રહે ત્યાં સુધી જ આ નોકરી માન્ય રહેશે. આ પદ સરકારી નોકરી નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

(4:52 pm IST)