ગુજરાત
News of Wednesday, 28th April 2021

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે 8 વર્ષની બાળકી મગરનો ખોરાક બનતા ગામમાં ભયનો માહોલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે આવેલી અસ્વીન નદી ના કિનારે એક મહિલા કપડા ધોઈ રહી હતી તે દરમિયાન પોતાની 8 વર્ષ ની દીકરી કિનારા પાસે રમતી હતી ત્યારે મહાકાય મગરે બાળકી પર હુમલો કરી માસૂમ બાળકી ને પાણીમા ખેંચી ગયો હતો. જોત જોતા મા મગર બાળકી ને પાણીમાં લઇ ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવની જાણ આજુબાજુ ના ગામોમાં થતાંજ ગામલોકો મા ભય ફેલાઈ ગયો હતો .ગામલોકો નું કહેવું છે કે આ નદીમાં 7 થી 8 મગર રહે છે આગળ પણ આવા બનાવો બની ચૂકયા છે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા આ મગરો ને વહેલી તકે પકડી લેવામાં આવે તેવું ગામલોકો માગણી કરી હતી.
બીજી તરફ આ ઘટના ની જાણ ફોરેસ્ટ વિભાગને થતાંજ વન વિભાગના કર્મચારી ઓ એ બાળકીની શોધખોળ ચાલુ કરી 7 થી 8 કલાકની ભારે જહેમત બાદ મોડી રાત્રે અડધો ખાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ કરુણ દ્રશ્ય જોઈ ગ્રામજનો માં ભય જોવા મળ્યો છે. બાળકી ના મૃતદેહ ને પોસ્ટમોટમ માટે તિલકવાડા સરકારી દવાખાને મોકલવામાં આવ્યો હતો.ઘટના ની જાણ થતાં જ કેવડિયા રેન્જ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ ગભાણીયા ઘટના સ્થળે પહોંચી મગરો ને તાત્કાલિક પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.

(10:32 pm IST)