ગુજરાત
News of Tuesday, 28th March 2023

અમદાવાદમાં પુત્રીનો જન્‍મ થતા શંકા કરતો પતિઃ મારી પુત્રી નથી કહી ડીએનએ ટેસ્‍ટ કરાવવાની માંગ કરી

મહિલા દ્વારા પતિ સહિત સસરા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદઃ ઘણીવાર સમાજમાં એવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છેકે, જેને કારણે સભ્ય સમાજની ગરીમાને ઠેસ પહોંચે છે. કંઈક આવો જ કિસ્સો અમદાવાદ શહેરના હાર્દસમા વિસ્તારમાં સામે આવ્યો છે. વાત છે અમદાવાદના નજીકના પોશ વિસ્તારની. જીવરાજપાર્ક નજીક રહેતા એક પરિવારની. પરિવારના ત્યાં પહેલાં સંતાનનો જન્મ થયો પણ પ્રસન્ન થવાને બદલે અહીં તો પરિવાર કંઈક અલગ જ મુડમાં જોવા મળ્યો. દિકરીનો જન્મ થતાં જ પતિએ પત્નીને કહી દીધું આ મારી દીકરી નથી. એક તરફ વાત એવી છેકે, શું ખરેખર પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી? બીજી તરફ સવાલ એવો છેકે, શું દહેજ માટે જ પત્નીનેે કોઈને કોઈ રીતે હેરાન કરતો હતો પતિ? પોલીસ પણ આ સવાલોના જવાબો મેળવવાનો કરી રહી છે પ્રયાસ.

ઉલ્લેખનીય છેકે, પતિને જેવી જાણ કરાઈ કે તમારે દીકરીનો જન્મ થયો છે. તો આ સમાચાર સાંભળીને તુરંત જ પતિનું જુદુ જ રૂપ સામે આવ્યું. પતિએ કહ્યું કે આ મારી દીકરી નથી, તેનો ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. જોકે, પત્ની થોડા દિવસ પિયર રહેવા ગઈ ત્યારે પતિ તેને લેવા માટે દિલ્હીના નોઈડા રેલવે સ્ટેશન ગયો હતો. ત્યાંથી માત્ર 4 મહિનાની દીકરીને ટ્રેનમાં લઈને પતિ અમદાવાદ આવી ગયો હતો. આ અંગેની ફરિયાદ મહિલાએ પતિ, સાસુ, સસરા અને 2 નણંદ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

નોઈડામાં રહેતી 29 વર્ષિય સંધ્યાના લગ્ન 2021માં રાહુલ સાથે થયા હતાં. સંધ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ સંધ્યા, તેમનો પતિ, સાસુ, સસરા, નણંદ બધા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યાં હતાં. લગ્નના ત્રણ દિવસ બાદ સંધ્યા મહિના માટે પોતાના પિયરમાં રહેવા જતી રહી. ત્યાર પછી ફરી સંધ્યા પોતાની સાસરીમાં જતી રહી.

ઓક્ટોબર 2021માં સંધ્યાએ દીકરીને જન્મ આપતાં પતિએ કહ્યું કે, અમારે તો દીકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે. આ મારી દીકરી નથી. મારે આનો ડીએનએ ટેસ્ટ કરાવવો છે. સંધ્યા પિયરમાં રહેવા જતી રહેતાં પતિએ કહ્યું હતું કે, લગ્ન વખતે અમે દહેજ લીધું નથી એટલે તું રૂ.25 લાખ લેતી આવજે.

(5:38 pm IST)