ગુજરાત
News of Saturday, 28th March 2020

મુખ્યમંત્રી રાહતનિધિમાં ત્રણ દિવસમાં 3500 લોકોએ તથા સંસ્થાઓએ કરોડોનું દાન આપ્યું

વિજયભાઈ રૂપાણીની અપીલને પગલે ગુજરાતભરમાંથી દાનની સરવાણી વહી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના વાઈરસ સામે લડવા અને લોકડાઉનની સ્થિતિમાં તાબડતોબ પ્રજાલક્ષી નિર્ણયો લઈ તેની જાહેરાતો કરી રહ્યાં છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે.
   ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ગુજરાતના નાના-મોટા મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓએ પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 1-1 કરોડનું દાન કર્યું છે

 . સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. ધારાસભ્યોએ પણ 1થી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ અને સરદારધામ તરફથી 21-21 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

 આ ઉપરાંત મોરારી બાપુ - 25 લાખ, બગદાણા આશ્રમ - 51 લાખ, પરબ આશ્રમ - 101 લાખ, સતાધાર આશ્રમ - 11 લાખ, વીરપુર જલીયાણ જોગી ટ્રસ્ટ - 50 લાખ, વલકુબાપુ આશ્રમ - 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આ સિવાય 3500થી વધુ નામી-અનામી ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન કોરોનાની મહામારીથી લડવા કરવામાં આવ્યું છે.
   કોરોના વાઈરસની મહામારી સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો - ઉદ્યોગગૃહો - વ્યાપારી એકમો તથા વિવિધ સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે.  રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે.

 

(6:45 pm IST)