ગુજરાત
News of Sunday, 28th February 2021

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું નામ નરેન્દ્રભાઇ મોદી સ્ટેડીયમ રાખવાની જાહેરાતથી સુરતમાં પાટીદારો ભડકયા

સુરતના તમામ પાટીદારોએ પોતાના મોબાઇલમાં વોટસએપ ડીપી બદલી જય સરદાર કરી : આગળ જતા વધુ વિરોધ જાગવાના અણસાર : વિરોધ સુરત બાદ ગુજરાતમાં પણ પ્રસરે તો નવાઇ નહીં

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું  નામ જોડાતાં વિવાદ શરૂ થઈ ગયો છે. ખુદ ભાજપની અંદર પર વિરોધના સુર ઉઠી ચૂક્યા છે. જ્યારથી સ્ટેડિયમ સાથે નરેન્દ્ર મોદીનું નામ જોડવામાં આવ્યું છે, ત્યારથી સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે. સુરતમાં પાટીદારોના વિવિધ ગ્રુપે તો પોતાની નારાજગી વ્યક્ત કરતા પોતાના વ્હોટ્સએપ ગ્રુપની ડીપી ચેન્જ કરીને “જય સરદાર”ને સ્થાન આપ્યું છે.

 

ડાયમંડ સિટી સુરતના પાટીદાર ગ્રુપોમાં અત્યારે સ્ટેડિયમનું નામ બદલવાનો મુદ્દો વધુ ચર્ચાઈ રહ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પણ બે ગ્રુપમાં વેચાઈ ગયું છે. જેમાં સ્ટેડિયમના નામ કરણને લઈને જ વધારે વિરોધ થઈ રહ્યો છે. સુરતના પાટીદાર ગ્રુપમાં આની ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

જેમાં પાટીદારોના અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં કોમેન્ટ થતાંની સાથે જ લોકોના પર્સનલ ડીપી પણ ચેન્જ થવા લાગ્યા. જેથી ગણતરીની મિનિટોમાં અનેક લોકોના વ્હોટ્સઅપ ડીપીમાં સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા સાથે “જય સરદાર”ની કરી નાંખી છે.

જણાવી દઈએ કે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાંખવામાં આવતા વિપક્ષ સતત સરકારની ટીકા કરી રહ્યું છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ સ્ટેડિયમના નવા નામકરણને લઈને સરકારને સલાહ આપી હતી. સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને નરેન્દ્ર મોદી નામ પરત ખેંચી લેવું જોઇએ અને કહેવું જોઇએ કે, નામ બદલતા પહેલા વડાપ્રધાનની સલાહ લેવામાં નહતી આવી.

(4:10 pm IST)