ગુજરાત
News of Sunday, 28th February 2021

ગુજરાતમાં કાલથી ૬૦ વર્ષની વધુ વયના વડીલોને કોરોના વેકસીન આપવાનો થશે પ્રારંભ : તમામ તૈયારીએ પૂર્ણ કરી લેવાઇ

રાજયના વરિષ્ઠ નાગરિકોને કોરોના વેકસીન અભિયાન અંતર્ગત વેકિસન મુકાવી સહયોગ આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ

અમદાવાદ : આવતીકાલ એક માર્ચથી સમગ્ર રાજયમાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોના વેકિસન અભિયાનનો પ્રારંભ કરવાની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે.

રાજ્યમાં કોરોના વેક્સિન  વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વય ના વડીલોને આવતી કાલ 1 માર્ચ થી આપવાનો પ્રારંભ  થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના  60 લાખ જેટલા સૌ  વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપિલ કરી છે.

મુખ્યમંત્રીશ્રી એ આ અપિલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્ય ની ચિંતા કરીને કોરોના સામે શરુઆત થી જ લોકસહ્યોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠા થી કોરોના નો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.

હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો ના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે

શ્રી વિજય ભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાન ની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે

રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે

આ હેતુસર તાલીમ બદ્ધ  ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળ ની  સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ 60 વર્ષથી વધુની વય ના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોના થી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિત ના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.

મુખ્યમંત્રીશ્રી એ આ સંદર્ભમાં ઉમેર્યું કે   હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે  રસી ના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાત ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈ ના આ અંતિમ તબક્કા માં વિજય મેળવે

મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના નાગરિકોને પણ હાર્દ ભરી અપિલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણ માં યોગદાન આપે.

(3:47 pm IST)