ગુજરાત
News of Sunday, 28th February 2021

ગુજરાતના લડાયક પાટીદાર નેતા હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન તો કયુૃ પણ પોતાના પક્ષના ઉમેદવારને મત જ ન આપી શકયા !!

વિધિની વિચિત્રતા તો એવી છે કે વિરમગામમાં કોંગ્રેસના ઉમેદવાર જ ઉભા નથી રહ્યા : હાર્દિક પોતાના મત વિશે અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું કહ્યું

વિરમગામ :આજે જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ પોતાની જ પાર્ટીને વોટ આપી શક્યા નથી. હાર્દિક પટેલ પોતાના પક્ષથી નારાજ છે તે વાત તો સામાન્ય છે, પરંતુ તેઓ પોતાના પક્ષના ઉમેદવારને વોટ આપી શક્યા નથી. જોકે, તેનુ કારણ સાવ અલગ છે. કારણ કે, હાર્દિક પટેલે પોતાના હોમટાઉન વિરમગામ માં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી.

અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ ને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા. 

અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ તેમણે કહ્યું. હાર્દિક પટેલે જણાવ્યું કે, સૌ લોકો પોતાના મતનો ઉપયોગ કરે. દિવસેને દિવસે મતદાન ઘટી રહ્યું છે. તેથી લોકો જાગૃતિ લાવે. સમયસર વોટ આપીને ગુજરાતીઓની વિનંતી છે કે, તેઓ લોકશાહીને મજબૂત કરે. વિરમગામાં સ્વભાવિક રીતે અપક્ષ ઉમેદવાર લડતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે પણ ઉમેદવાર છે, તે કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ વિરમગામ માટે લડશે. વિરમગામ માત્ર ગામ નથી, પણ ઐતિહાસિક સ્થળ છે. અહી અનેક એવા સ્થળો આવે છે. તમામ મુદ્દાઓને લઈને સારુ કામ કરીશું. ભાજપ કરતા સારું કામ કરીને જનતાને ગમે તેવા ઉમેદવારો પસંદ કરીશું. વિરગામમાં કોંગ્રેસ હંમેશા અપક્ષ ઉમેદવારોને ટેકો આપતું હોય છે. 

(12:28 pm IST)