ગુજરાત
News of Sunday, 28th February 2021

સુરત મનપાની ચૂંટણીમાં કારમાં પરાજય બાદ કોંગ્રેસની આકરી કાર્યવાહી : 15 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા

ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચનારા સામે પણ પગલાં લેવાયા: ઓફિસમાં તોડફોડ કરનારા સામે પણ કાર્યવાહી કરાઈ

સુરત કોંગ્રેસે 15 લોકોને બરતરફ કર્યા છે સુરત મનપાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી કરી છે. સાથે , મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચનારા સામે પણ પગલાં લેવાયા છે. સુરતમાં ઓફિસમાં તોડફોડ કરનારા સામે પણ કાર્યવાહી કરી છે

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. શહેર કોંગ્રેસનું સંગઠન લકવાગ્રસ્ત અને નેતાઓની આંતરિક જૂથબંધીને કારણે કોંગ્રેસે સૌથી કંગાળ પરિણામ મેળવ્યું છે. એક પણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય નહીં થતાં તમામ ઉમેદવારો ઘર ભેગા થયા છે. આ હાર પાછળ કેટલાંક સ્થાનિક નેતાઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનું સામે આવ્યું છે. આવા 15 જેટલા કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ કોંગ્રેસનો દાટ વાળી દીધો છે. કોંગ્રેસે તમામ બેઠકો ઉપર હારનું કાળું મોઢું જોવાનો વખત છે. આ શરમજનક હારને કારણે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ તેમનું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલી આપ્યું છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો છે. શહેર કોંગ્રેસ તરફથી શનિવારે જાહેર થયેલી એક યાદીમાં 15 જેટલા સભ્યોને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.

આ સભ્યોમાં પૂર્વ કોર્પોરેટર જ્યોતિ સોજીત્રા સહિત કાનજી અલગોતર, મમતા દુબે, હિના મુલતાની, યોગેશ પટેલ, કિરીટ રાણા, શૈલેશ ટંડેલ, સની પાઠક, વિદ્યા પાઠક, રંજના ચૌધરી, સરફરાઝ ઘાસવાલા, રાજેશ મોરડીયા, અબ્દુલ્લાખાન પઠાણ, નઈમ શેખ, ગુલાબ વરસાણે સાથે કોંગ્રેસે છેડો ફાડી નાંખ્યો હતો.

(8:58 pm IST)