ગુજરાત
News of Thursday, 28th February 2019

પંચાયતના કલાર્ક-તલાટીની ભરતી પરીક્ષા લોકસભાની ચૂંટણી પછી : ૩૦ લાખથી વધુ અરજીઓ આવી છે

૧૦ ટકા આર્થિક અનામત અને વયમર્યાદામાં છુટછાટના કારણે પરીક્ષાને બ્રેક

રાજકોટ, તા. ૨૮ :. રાજ્યના પંચાયત વિભાગ હેઠળના પંચાયત પસંદગી સેવા બોર્ડ સંલગ્ન જિલ્લા સમિતિઓ દ્વારા ૬ મહિના પહેલા પંચાયતના તલાટી અને જૂનીયર કલાર્કની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલ. આશરે ૩૦૦૦ જગ્યાઓ માટે ૩૦ લાખથી વધુ અરજીઓ આવેલ. જે તે વખતે તંત્રની ગણતરી જાન્યુઆરી સુધીમાં પરીક્ષા પુરી કરવાની હતી પરંતુ એકથી વધુ કારણસર તેમા વિલંબ થયો છે. હવે લોકસભાની ચૂંટણી પછી જ ૨૦૧૯ના મધ્યમાં ભરતી પરિક્ષા યોજાય તેવા અત્યારના સંજોગો છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ દરેક ઉમેદવારને બન્ને કેડરમાં એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની છૂટ હતી જેના કારણે અરજીઓની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ છે. બધા જિલ્લાઓમાં પરીક્ષા એક જ દિવસે એક જ સમયે લેવાની હોવાથી અરજી ગમે તેટલા જિલ્લા માટે કરી હોય પરંતુ પરીક્ષા એક જ સ્થાને આપી શકાય. તંત્ર માટે જેટલી અરજી કરી હોય તેટલી જગ્યા પર વ્યવસ્થા કરવી જરૂરી છે. ડુપ્લીકેશનથી સર્જાયેલ પ્રશ્નનો ઉકેલ વિચારાતો હતો ત્યાં જ ૧૦ ટકા આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા પરીક્ષા લેનાર તંત્ર માટે વધુ એક મુદ્દો ઉભો થયેલ. આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ સરકારે બીનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય કર્યો છે. અરજી મંગાવી તે વખતે જે યુવાનોની વયમર્યાદા પુરી થઈ ગઈ હોય પરંતુ છૂટછાટના સુધારા પછી ફરી અરજી કરવાની તક મળી હોય તેવા યુવાનો માટે શું કરવું ? તે માટે બોર્ડ દ્વારા પંચાયત વિભાગ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યુ છે. વયમર્યાદામાં છૂટછાટ અને ૧૦ ટકા આર્થિક અનામતના કારણે પરીક્ષા લેવાની પરીક્ષા અટકી પડી છે. જૂની બધી અરજીઓ રદ્દ કરી નવેસરથી અરજીઓ મંગાવવા સહિતના વિકલ્પો ખુલ્લા છે. સરકારના માર્ગદર્શન મુજબ પંચાયત સેવા પસંદગી બોર્ડ અને જિલ્લા સમિતિઓ આગળની કાર્યવાહી કરશે. સરકારે હજુ આ બાબતે કોઈ માર્ગદર્શક સૂચના આપ્યાનું બહાર આવેલ નથી. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા ગણતરીના દિવસોમાં જ લાગુ પડી જશે. એપ્રિલ-મે માં ચૂંટણી થવા પાત્ર છે. ચૂંટણી પહેલા આ પરીક્ષા યોજી શકાય તેવા કોઈ સંજોગો નથી. લેખિત પરીક્ષામાં વિલંબ થતા વધુ તૈયારીનો સમય મળ્યાનું ઉમેદવારો માટે આશ્વાસન છે.

પંચાયત સેવા પસંદગી બોર્ડના સીધા કાર્યક્ષેત્રમાં આવતી કેડરની પરીક્ષા અગાઉ લેવાઈ ગયેલ તેમા ઉતિર્ણ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. નિમણૂક માટે જે તે જિલ્લા કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી છે.

(3:39 pm IST)