ગુજરાત
News of Thursday, 28th February 2019

ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો ફરી ધમધમ્યાઃ હડતાલનો અંત

રાજકોટ, તા. ૨૮ :. રાજ્યની પંચાયતોના આરોગ્ય કર્મચારીઓએ પોતાની માંગણી સંદર્ભે સતત ૧૨ દિવસ સુધી ચલાવેલી હડતાલનો સરકાર સાથે મંત્રણા બાદ અંત આવ્યો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારી મહાસંઘના આગેવાનો વચ્ચે થયેલ મંત્રણા અને પ્રશ્નના નિકાલ માટે સરકાર દ્વારા લેખીત બાંહેધરી અપાતા હડતાલ પુરી કરવામાં આવી છે. આજથી આરોગ્ય કર્મચારીઓ પુનઃ ફરજ પર હાજર થઈ ગયા છે.

સરકારે આરોગ્ય કર્મચારીઓને પી.ટી.એ., તાલુકા જિલ્લા કક્ષાની સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી, જિલ્લા કક્ષાની સુપરવાઈઝરની જગ્યા પર બઢતી આપવી, હેલ્થ વર્કર અને કમ્પાઉન્ડરના પદનું નામ બદલવું, લેબ ટેકનિશ્યનનું પગાર ધોરણ સુધારવું વગેરે બાબતે સક્ષમ કક્ષાએથી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. પંચાયત સેવાના સ્ટાફનર્સને નર્સિસ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ એલાઉન્સ આપવા જિલ્લા મુખ્ય અધિકારીઓને પત્રથી સૂચના આપી દેવામાં આવી છે. આંદોલન પરના કર્મચારીઓની તા. ૬ ફેબ્રુઆરીની માસ સીએલ તેમજ હડતાલના દિવસોના સમયગાળા બાબતે રજૂઆત કરવામાં આવતા આ બાબતમા સંબંધીત કર્મચારી પાસે લેણી નીકળતી કે ભવિષ્યમાં લેણી નિકળતી રજાઓ સામે સરભર કરવામાં આવશે તેમ સમાધાનમાં જણાવાયુ છે.(૨-૫)

(12:00 pm IST)