ગુજરાત
News of Thursday, 28th February 2019

દરિયાઇ માર્ગે આતંકવાદીઓ હૂમલો ન કરે તે માટે માછીમારોને સાવચેત રહેવા આદેશ

ગાંધીનગર : વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પ પર કરેલા હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. સીએમ વિજય રૂપાણીએ હાઈલેવલની મીટિંગ બોલાવીને લશ્કરી દળોને સ્ટેન્ડુ ટુ રહેવાનો આદેશ આપ્યો છે. ત્યારે કચ્છની સરહદ પર ચાંપતો બંદોબસ્ત અને વધુ હથિયારો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે  દરિયાઈ સુરક્ષા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કારણ કે, આ જ માર્ગથી મુંબઈ આતંકી હુમલાના આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા.

માછીમારો મુખ્ય ટાર્ગેટ હોય છે

વાયુસેનાના હુમલા બાદ કોસ્ટ ગાર્ડ ઉપરાંત ગુજરાત મરીન પોલીસને પણ એલર્ટમાં મૂકાઈ છે. દરિયામાં નોટિકલ માઈલથી વધુ દૂર ન જવા માછીમારોને સાવચેત કરાયા છે. પાકિસ્તાનનું મુખ્ય ટાર્ગેટ ભારતીય માછીમારો હોય છે. ત્યારે પાકિસ્તાન સાથે જોડાયેલી જળ સીમા નજીક ગુજરાતના માછીમારો ના જાય તેની ખાસ તકેદારી રખાશે. કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ સહિત દરિયાઇ સુરક્ષા સંભાળતી એન્જસીઓને વિશેષ તકેદારી રાખવા જણાવ્યું સૂચન કરાયું છે. ત્યારે માલૂમ પડ્યું છે કે, ભારતીય માછીમારો લાલપરી નામની માછલી પકડવાની લાલચમાં પાકિસ્તાન સીમા નજીક પહોંચે છે, જ્યાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી તેમને નિશાન બનાવે છે.

માછીમારોને હોય છે લાલપરીની લાલચ

જાપાનીઝ થ્રેડફીન બ્રીમ નામની માછલી લાલપરી નામથી ઓળખાય છે. તેનો કલર બ્રાઈટ પિંક હોવાથી તે લાલપરીના નામથી વધુ પ્રખ્યાત છે. આ માછલીની લાલચે આજે ભારતના સેંકડો માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ માછલી ભારતના પશ્ચિમ કાંઠા અને મોટાભાગે ગુજરાત કાંઠાના દરિયામાં મળે છે. તે હિન્દુસ ડેલ્ટા ભાગના ક્રીક એરિયામાં સૌથી વધુ મળી આવે છે. 90 ટકાથી વધુ માછલીઓ પાકિસ્તાની જળસીમાની અંદર મળી આવે છે. તેથી મરીન પોલીસને સૂચના હોવા છતા માછીમારો પાકિસ્તાની હદમાં ઘૂસીને લાલપરીની માછીમારી કરે છે. લાલપરી મેળવવી માછીમારોનું સૌથી મોટુ ટાર્ગેટ હોય છે, જેનાથી તેઓ વધુ નફો રળી શકે છે. કારણ કે, આ માછલીની ડિમાન્ડ યુરોપીય દેશોમાં વધુ છે અને તેના એક્સપોર્ટથી માછીમારો અન્ય માછલીની સરખામણીમાં વધુ કમાણી આપે છે.

હાલ લાલપરી માછલીની માછીમારીની સીઝન છે. ઓગસ્ટથી ફેબ્રુઆરી દરમિયાન ભારતીય માછીમારો પાકિસ્તાન સીમામાં જઈને લાલપરીને શોધતા હોય છે. આ જ સમયે મોટાભાગના માછીમારો પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા પકડાતા હોય છે.

(6:10 pm IST)