ગુજરાત
News of Saturday, 28th January 2023

પરિવાર બાબરી પ્રસંગમાં ગયો અને પાછળથી તસ્કરો ઘરમાં ઘૂસ્યા: ગાંધીનગરના ડભોડાના ખેડૂત પરિવારના ઘરમાં ચોરી થઇ

ફરિયાદના આધારે પોલીસે રૂ. ૪.૨૨ લાખના દાગીનાની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

ગાંધીનગર, તા.૨૮: ગાંધીનગરના ડભોડાનો ખેડૂત પરિવાર બાબરીના પ્રસંગમાં ગયો હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરો ઓરડીના તાળા તોડી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૪.૨૨ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ જતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ડભોડા ગામની સીમ બુટાકીયા પરામાં ૨૧ વર્ષીય નગીન ગાભાજી ઠાકોર તેની માતા સવિતાબેન, પત્ની અંકીતા તથા દીકરી હેમાંગી સાથે રહે છે. જ્યારે તેનો મોટો ભાઈ માધવ ભઇજીપુરા ખાતે તેના પરિવાર સાથે રહે છે. ગઈકાલે સવારે નગીન સહિતના પરિવારજનો ઓરડીને તાળું મારી બુટાકીયા ગામમાં બાબરીના પ્રસંગે ગયા હતા.

જ્યાં પ્રસંગ પૂર્ણ કરીને બપોરના ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઓરડીનું તાળું તૂટેલું જોઈ ચોંકી ઉઠયા હતા. બાદમાં ઘરમાં તપાસ કરતાં તિજોરીમાંથી સવા ત્રણ તોલાનો સોનાનો સેટ, ત્રણ તોલાનાં સોનાના લોકીટ બે, એક તોલાની સોનાની ચેઇન, ચારસો ગ્રામ વજનના ચાંદીના કડલાં, અઢીસો ગ્રામની ચાંદીની કોબીયો તેમજ ત્રણસો ગ્રામ વજનના ચાંદીના જુડા નંગ - ૨ મળી કુલ રૂ. ૪.૨૨ લાખના દાગીના તસ્કરો ચોરીને ફરાર થઈ ગયાનું માલુમ પડયું હતું.

આ અંગે જાણ થતાં ડભોડા પોલીસ દોડી ગઈ હતી. અને આસપાસના ખેતરોમાં તપાસ કરી લોકોની પૂછતાંછ શરૂ કરી હતી. ઉપરાંત ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને બોલાવી લેવામાં આવી હતી. આ અંગે નગીનની ફરિયાદના આધારે પોલીસે રૂ. ૪.૨૨ લાખના દાગીનાની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:32 pm IST)