ગુજરાત
News of Friday, 28th January 2022

સાબરમતી નદીના પ્રદુષણને લઈને હાઇકોર્ટે અમદાવાદ મનપા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢી

સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ લાપરવાહી પણ જવાબદાર

અમદાવાદ : સાબરમતી નદીના પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ફટકાર લગાવી છે.

સાબરમતી નદીના પ્રદુષણને લઈને બનાવવામાં આવેલ જોઈન્ટ ટાસ્કફોર્સે હાઈકોર્ટમાં પોતાનો રીપોર્ટ સબમિટ કર્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે જોઈન્ટ ટાસ્ક ફોર્સે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો જેના અવલોકન બાદ હાઈકોર્ટે નોંધ્યું કે સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ લાપરવાહી પણ જવાબદાર છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કંઈક અંશે જવાબદાર હોવાનું કોર્પોરેશને સ્વીકાર્યું છે.

કોર્પોરેશનના વકીલે કોર્ટ સમક્ષ કરી રજૂઆત કરી છે કે, પર્યાવરણને લગતા મોટા સેટઅપને ધ્યાને લેવામાં આવે તો પ્રદૂષિત પાણી માટે કોર્પોરેશન પણ જવાબદાર છે કારણ કે કોર્પોરેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ નિર્ધારિત માત્ર કરતા વધુ પ્રદૂષણ વાળું પાણી નદીમાં છોડે છે. જોઇન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP ) માંથી નીકળતું ડિસ્ચાર્જ ધારાધોરણોથી વિપરીત હોવાનું સામે આવ્યું.

હાઇકોર્ટમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહે પણ પોતાનો રીપોર્ટ રજુ કર્યો. તેમણે નોંધ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદુષણ ફેલાવનારા યુનિટને સિલ કર્યા હતા. આ બંધ કરવામાં આવેલા ઔદ્યોગિક એકમોને ખોલવાની માંગ કરતી અરજીઓ ઉપર હાઇકોર્ટ આગામી દિવસોમાં જારી કરશે હુકમ.

(10:22 pm IST)