ગુજરાત
News of Friday, 28th January 2022

રણજી ટ્રોફીમાં રમાડવાને બહાને યુવક પાસેથી ૧૫ લાખ પડાવ્યા

મહિલા ક્રિકેટર સપના રંધાવાની ધરપકડ : ક્રિકેટર સપાનાએ સુરત સહિત રાજયમાંથી અનેક યુવા ક્રિકેટરો પાસેથી મસમોટી રકમ પડાવી હોવાની આશંકા

સુરત, તા.૨૮ : રણજી ટ્રોફીમાં રમાડવાને બહાને યુવા ક્રિકેટર પાસેથી રૂપિયા ૧૫ લાખ પડાવી છેતરપિંડી કરનાર હિમાચલ પ્રદેશની મહિલા ક્રિકેટરની ઈકો સેલ પોલીસે ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ લેતા ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ક્રિકેટર સપાના રંધાવાએ સુરત સહિત રાજયમાંથી અનેક યુવા ક્રિકેટરો પાસેથી મસમોટી રકમ પડાવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

મૂળ ચીખલીના અને હાલમાં શહેરમાં રહેતા યુવા ક્રિકેટરનો હિમાચલ  પ્રદેશની ક્રિકેટર સપના રંધાવા સાથે કોન્ટ્રેક થયો હતો. સપનાએ યુવકને રણજી ટ્રોફી મેચ રમાડવાને બહાને રૂપિયા ૧૫ લાખ લીધા હતા. જાકે, પૈસા લેવાને ઘણો સમય થવા આવ્યો હોવા છતાંયે સપનાએ તેને રણજી ટ્રોફીમાં  એક પણ મેચ રમાડી ન હતી.

જેથી યુવકે તેની પાસે પૈસા પરત માંગતા સપનાએ ગલ્લા તલ્લા કરી પૈસા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. આખરે ના છુટકે યુવકે આ મામલે અઠવાડિયા પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોદ્વધાવી હતી. રણજી ટ્રોફીમાં મેચ રમાડવાને બહાને યુવક પાસેથી મહિલા ક્રિકેટરે પૈસા પડાવ્યા હોવાથી બનાવની ગંભીરતાથી લઈને આ કેસની તપાસ ઈકો સેલ પોલીસને સોંપવામાં આવતા એસીપી વી.કે.પરમારે અલગ અલગ ટીમો બનાવી તપાસ માટે રવાના કરી હતી. પોલીસે ક્રિકેટર સંપના રંધાવાની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ લેતા સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુત્રોનું માનીએ તો સપના રંધાવાએ સુરત સહિત રાજયમાંથી અનેક યુવા ક્રિકેટરોને રણજી ટ્રોફીમાં મેચ રમાડવાને બહાને પૈસા પડાવ્યા હોવાની આશંકા છે.

સપના રંધવાની પુછપરછમાં સંમગ્ર કૌભાંડમાં એકેડમીના કેટલાક હોદેદારોની પણ સંડોવણી બહાર આવે તો નવાઈ નહી. જાકે, આ મામલે પોલીસ તપાસ ચાલી રહી હોવાનુ કહેવાય છે. સુત્રોના જણાવ્યા મુજબ, મૂળ છેતરપિંડીનો ભોગ બનેલા યુવા ક્રિકેટરનો સપના રંધાવા સાથે યુપીના મથુરામાં આવેલી એક એકેડમી મારફતે કોન્ટેકટ થયો હોવાનું કહેવાયા છે. સપનાએ યુવકને રણજીત ટ્રોફીમાંથી મેચ રમાડવાને બહાને પૈસા પડાવ્યા હતા. જાકે ત્યારબાદ એકપણ મેચ રમાડી ન હતી અને પૈસા પણ પરત  આપ્યા ન હતા. સમગ્ર કૌભાંડમાં સપના રંધાવા સાથે અન્ય પણ લોકો સંડોવાયેલા હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

(9:13 pm IST)