ગુજરાત
News of Friday, 28th January 2022

વડોદરાના વાડી વિસ્તારમાં વધારાના બાંધકામ બાબતે બે પાડોશીઓ બાખડતા સામસામે પોલીસ ફરિયાદ

વડોદરા: વાડીમાં વધારાના બાંધકામ અંગે અરજી કરતા પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો.જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વાડી ગાજરાવાડીમાં રહેતા અજીતસિંહ ફતેસીંગ ગોહિલ મીડા સ્કેલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.તેણે વાડી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૨૫ મી હું માંજલપુર નોકરી પર હાજર હતો.તે દરમિયાન મને જાણવા મળ્યું હતું કે,અમારી સામે રહેતા મકાનમાલિકે વધારાનું બાંધકામ કરતા મેં અરજી આપી હતી.જે અરજી સંદર્ભે બાંધકામ તોડી પાડવા માટે નોટિસ સામાવાળા અમિતસીંગ જશવંતસીંગ રાઠોડને મળી હતી.જે નોટિસને લઇને તે મહોલ્લામાં બધાને ગાળો બોલતો હતો.હું મારી નોકરીથી છૂટીને ઘરે આવતા અમિતસીંગ રાઠોડ, ભૂપેન્દ્રસીંગ રાઠોડ તથા સુમિત્રાબેન મારા ઘરના સભ્યોને ગાળો બોલતા  હતા.ભૂપેન્દ્રસીંગ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.અને તેણે મારી ગરદન પકડી માર માર્યો હતો.સુમિત્રાબેને મારા ખિસ્સામાંથી મોબાઇલ કાઢી લઇ તોડી નાંખ્યો હતો. ઝપાઝપીમાં મારી માતાને પણ ઇજા થઇ હતી.મારા ભાઇએ આવીને મને વધુ મારમાંથી બચાવ્યો હતો.

(6:18 pm IST)