ગુજરાત
News of Friday, 28th January 2022

સુરતમાં જુદા જુદા 19 પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચીંગના ગુનાહમાં સંડોવાયેલ આરોપીના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરના જુદા જુદા 19 પોલીસ મથકોમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ચાર્જશીટ બાદ સહ આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગતા મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે આરોપીનો ગુનાઈત ઈતિહાસ તથા સક્રીય સંડોવણીને ધ્યાને લઈ આરોપીના જામીનની માંગ નકારી કાઢી છે.ભેસ્તાન ખાતે એસએમસી આવાસમાં રહેતા 28 વર્ષીય આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી શબ્બીર શેખ તથા  સહ આરોપી મોહસીનખાન ઉર્ફે સલમાન હકીમખાન પઠાણને સલાબત પુરા પોલીસે મોબાઈલ સ્નેચીંગના ગુનાઈત કારસા બદલ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. કેસમાં જેલવાસ ભોગવતા આરોપી મોહસીનખાન પઠાણે ચાર્જશીટ રજુ થયા બાદ કરેલી જામીન મુક્તિની સ્થાનિક અદાલતે નકારતા હાઈકોર્ટમાં ધા નાખી હતી.જેને હાઈકોર્ટે શરતી મંજુરી આપતા મુખ્ય આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારીએ જામીન મુક્ત સહ આરોપી મોહનસીન ખાનની ગુનામાં એક સરખી ભુમિકા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.સહ આરોપી મોહસીન ખાનના ઘરમાંથી પોલીસે  53 જેટલા મોબાઈલ ગુનાના મુદ્દામાલ પેટે કબજે કર્યા હતા.જેથી આરોપી સાજીદે પોતાની વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસ હોવાની રજૂઆત કરી હતી. જેના વિરોધમાં એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે હાલના આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી વિરુધ્ધ સુરતના જુદા જુદા 19 જેટલા પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચીંગના એકથી વધુ ગુના નોંધાયા છે.મુખ્ય આરોપી તથા સહ આરોપી મોહસીનખાનની ગુનામાં ભુમિકા અલગ અલગ હોઈ હાલના આરોપીની ગુનામાં સક્રીય સંડોવણી છે.આરોપીને જામીન મુક્ત કરવાથી વધુ એકવાર પ્રકારના ગુના આચરે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી શેખ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી જામીનની માંગ નકારી કાઢી હતી.

(6:17 pm IST)