ગુજરાત
News of Friday, 28th January 2022

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસ ઉપર બુટલેગર દ્વારા જીવલેણ હુમલો : પોલીસને દોડાવી દોડાવીને ફટકારી

પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગરને પકડવા પહોંચી ત્યારે પોલીસકર્મી સુરેશભાઇ પર લોખંડના હથોડા વડે હુમલો કરાયો

અમદાવાદ :  અમદાવાદમાં પોલીસકર્મીઓ પણ સુરક્ષિત નથી આ વાતની પ્રતિતી કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના પોલીસકર્મીને બુટલેગર દ્વારા લોખંડના હથિયાર વડે માર મરાતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો નરોડા વિસ્તાર મુઠીયા વિસ્તારનો છે. જેમાં પોલીસકર્મી સુરેશભાઇ પર હુમલો કરાયો છે. જેમાં હુમલો કરનાર કુખ્યાત બુટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિતના શખ્સો હતા. આ સમગ્ર કિસ્સામાં કુલ 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ જ્યારે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગરને પકડવા પહોંચી ત્યારે પોલીસકર્મી સુરેશભાઇ પર લોખંડના હથોડા વડે હુમલો કરાયો હતો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બુટલેગરોમાં પોલીસનો ભય રહ્યો નથી. અમદાવાદ પોલીસની આબરૂની ધૂળધાણી કરી રહ્યો છે આ વીડિયો. બુટલેગરોએ લોખંડની પાઈપો વડે પોલીસને દોડી દોડીને ફટકાર્યા છે. પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરે તેવી પૂરી સંભાવના છે. જો પોલીસ પર આ પ્રકારનો હુમલો થતાં હોય તો સામાન્ય લોકોની જ વાત જ શીદ કરવી. આ પ્રકરણમાં 15 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વીડિયોમાં સ્પષ્ટ છે કે પોલીસ જીવ બચાવવા ભાગી રહી છે પણ બુટલેગરો દોડી દોડીને એમને ફટકારી રહ્યાં છે. એક પોલીસ કર્મચારી એક સ્કૂટર પાછળ બેસવા જાય તો 2 બુટલેગરોએ પોલીસને ત્યાં પણ છોડ્યા નથી

(9:14 pm IST)