ગુજરાત
News of Thursday, 28th January 2021

અમદાવાદ સિવિલમાં 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લઇ સુરક્ષિત બન્યા

સિવિલમાં રસી લેનાર હેલ્થકેર વર્કરોની સંખ્યા 1403 થઇ

અમદાવાદ : કોરોના રસીકરણના સાતમાં દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સિવિલ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રમાં નવા 3 વેક્સિન રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ રોજ કુલ 762 હેલ્થકેર વર્કરોએ કોરોના રસીકરણના ડોઝ લઇને સ્વંયમને કોરોના સામેના અભેદ કવચથી સુરક્ષિત કર્યા હતા.

કોરોના સામે રસીકરણના આજે સાતમાં દિવસે અમદાવાદ સિવિલમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય એવી ઘટના સર્જાઈ હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો, પેરામેડિકલ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો

સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમાં સેન્ટરમાં આજે નવા 3 કોરોના વેક્સિનેસન રૂમ તૈયાર કરીને રસીકરણ માટે કોઇપણ જાતની તકલીફ ઉભી ના થાય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કુલ 641 હેલ્થકેર વર્કરોએ છ દિવસના રસીકરણ અભિયાનમાં જોડાઇને કોરોના રસી લીધી હતી. હવે સાત દિવસના રસીકરણ બાદ સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર હેલ્થકેર વર્કરોની સંખ્યા 1403 થઇ જવા પામી છે. આજે 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો જેમાં 350 પુરુષો અને 412 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

રસીકરણનો સાતમો દિવસ મહારસીકરણ અભિયાનમાં પરિવર્તન પામ્યો હોય તેવા દ્રર્શ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી, મેડિસીન, ફિઝીયોથેરાપી તબીબો, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ, સહિત વિવિધ વિભાગના વડા, સિનિયર તબીબોએ ઉપસ્થિત રહીને રસી લેનાર રેસીડેન્ટ તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ , સીક્યુરીટી કર્મીઓનો જુસ્સો વધાર્યો હતો

(8:22 pm IST)