ગુજરાત
News of Thursday, 28th January 2021

કપડવંજના નર્મદા વસાહમાં તસ્કરોનો તરખાટ:એક મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ચાર ઈસમો છનનન.....

કપડવંજ:શહેરમાં આવેલ  નર્મદા વસાહતમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.સોસાયટીમાં આવેલ આશરે સાત જેટલા મકાનોના એક જ રાતમાં તાળા તુટયા હતા.જેમાં એક મકાનમાંથી લાખો રૃપિયાની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે  અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કપડવંજ શહેરમાં આવેલ નર્મદા વસાહતમાં રહેતા ચેતનાબેન ગોસ્વામી  કપડવંજ  જી.ઇ.બી માં જૂનિયર ક્લાર્ક તરીકે સેવા બજાવે છે.ગત તા.૨૨ જાન્યુઆરીના રોજ તેઓ પોતાના વતન સવેલા  ગયા હતા. આ સમયે પડોશમાં રહેતા રાજુભાઇ ચૌહાણે ફોન કરી જણાવેલ કે સોસાયટીમાં સાત જેટલા મકાનોના તાળા તુટયા છે. તેમાં ચેતનાબહેનના ઘરનુ તાળુ તુટયુ હોવાનુ પણ જણાવ્યુ હતુ. જેથી તેઓ તેમના પતિ યોગેન્દ્રગીરી સાથે કપડવંજ  આવ્યા હતા. 

 કપડવંજ શહેરમાં આવી પોતાની સોસાયટી નર્મદા વસાહતમાં જોયુ ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી  નાખ્યો હતો. તેમજ ઘરમાં મૂકેલ દાગીનાની તપાસ કરતા માલૂમ પડયુ કે સોના-ચાંદીના તેમજ પ્લેટીનમના દાગીના એમ મળી કુલ રૃા.૧,૫૩,૦૦૦ ની મત્તાની ચોરી થઇ  છે.આ બનાવ અંગે ચેતનાબેન યોગેન્દ્રગીરી ગોસ્વામી રહે,નર્મદા વસાહત કપડવંજે કપડવંજ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત નર્મદા વસાહત માં આસપાસમાં રહેતા કમલેશકુમાર ચીમનભાઇ પટેલ, શૈલેષકુમાર કાંતિભાઇ પ્રજાપતિ, રાજેન્દ્રભાઇ ધુળાભાઇ ચૌહાણ, કમલેશભાઇ નરેશભાઇ ડબગર, ભગતસિંહ રાયસિંગભાઇ વસાવાના પણ મકાન તુટયા હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. પરંતુ ઉપરોક્ત પાંચ વ્યક્તિઓના ઘરમાંથી ચોરી થઇ છે કે નહી તે અંગે ખબર ન હોવાનુ ઉમેર્યુ છે.

(5:02 pm IST)