ગુજરાત
News of Tuesday, 28th January 2020

રાજપીપળાના ૮૦ વર્ષ જુના શ્રી રત્ન ગણેશ મંદિરે ગણેશ યાગ યોજાયો : ગણેશ યાગમાં ૧૭ જોડાઓએ લાભ લીધો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના દરબારરોડ સ્થિત ૮૦ વર્ષ જુના પૌરાણિક શ્રી રત્ન ગણેશ મંદિરે છેલ્લા ઘણાં વર્ષોથી ચાલતી આવતી પ્રથા મુજબ મંગળવારે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ યોજાયો હતો. 

  વૈદિક મન્ત્રોચ્ચાર સાથે યોજાયેલા ગણેશ યાગનો ૧૭ જોડાઓએ લાભ લીધો હતો.બાદ સાંજે ૫:૩૦ બાદ નાળિયેર હવન અને મહાપ્રસાદી લઇ સૌ ભક્તજનો છુટા પડ્યા હતા.એક માન્યતા મુજબ રાજપીપળાના રહેવાસી તથા મુંબઈના શાસ્ત્રી રત્નેશ્વર બહેચરભાઈને સપનામાં શ્રી ગણેશજીએ આવીને નંદપુર એટલે હાલના રાજપીપળામાં જમણી સૂંઢના ગણેશજીની મૂર્તિ સ્થાપનાનો આદેશ આપ્યો હતો.બાદ મુંબઈથી સેવાકાર્ય છોડી શાસ્ત્રી રત્નેશ્વરે આદેશ મુજબ પોતાના ભાઈ અગ્નિહોત્રી કલિશંકર ને કેહતા તેમને કાશીના બ્રાહ્મણોને બોલાવી ૧૯/૦૬/૧૯૪૦ ના દિવસે રાજપીપળાના દરબાર રોડ પર આ મંદિરની સ્થાપના કરી હતી.મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવા જમણી સૂંઢના ગણપતિની મૂર્તિ છે તેવીજ ભરૂચ-નર્મદા જિલ્લામાં ફક્ત રાજપીપળા માં દરબાર રોડ પર શ્રી રત્ન ગણેશ મંદિરે મૂર્તિ છે.હાલમાં શાસ્ત્રી રત્નેશ્વર બહેચરભાઈના ભત્રીજા મહેશભાઈ સેવા પુંજા કરે છે.જ્યાં રોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.

(6:20 pm IST)