ગુજરાત
News of Sunday, 27th November 2022

કેટલાક લોકો બાટલા હાઉસ બ્લાસ્ટને આતંકવાદ ગણતા નહોતા. આ લોકોથી ચેતવાની જરૂર: વડાપ્રધાન મોદી

 વોટબેંકની રાજનીતિ કરતા આવા લોકોને ગુજરાતથી દૂર રાખવાના છે.

સુરત : પ્રધાનમંત્રી મોદી સભાને સંબોધવા માટે સુરત પહોંચ્યા હતા. પીએમ મોદીએ એરપોર્ટથી મોટા વરાછા રોડ સુધી 30 કિલોમીટર જેટલો લાંબો રોડશો કર્યો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બંને તરફ લોકો મોદી-મોદીના નારા લગાવતા હતા. પીએમ મોદીએ પણ કારમાંથી બહાર આવી લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીએ પોતાની સભામાં આતંકવાદથી લઈને સુરતના વિકાસ સુધીની અનેક વાતો કરી હતી. 

પીએમ મોદીએ કહ્યુ કે, આજની નવી પેઢીના યુવાનોએ અમદાવાદ-સુરતના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. કેટલાક લોકો બાટલા હાઉસ બ્લાસ્ટને આતંકવાદ ગણતા નહોતા. આ લોકોથી ચેતવાની જરૂર છે, જે આતંકવાદનું સમર્થન કરે છે. આજે તમારી સાથે વાત કરતા મને 14 વર્ષ પહેલા મુંબઈ પર થયેલા આતંકી હુમલાની વાત યાદ આવી રહી છે. આ સૌથી મોટો હુમલો હતો. આ હુમલા બાદ આતંકીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ, હિન્દુઓ પર આતંકનું લેબલ લગાવવાનું કાર્ય કરી રહી હતી. વોટબેંકની રાજનીતિ કરતા આવા લોકોને ગુજરાતથી દૂર રાખવાના છે. આજે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર આતંકવાદને કચળવા માટે લાગેલી છે. દેશના વિકાસ માટે શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવા માટે ભાજપ સરકાર મજબૂતીથી કામ કરી રહી છે. 

(11:36 pm IST)