ગુજરાત
News of Saturday, 27th November 2021

ગોધરાકાંડના આરોપી હાજી બિલાલનું સારવાર દરમિયાન મોત : વડોદરા જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો

ઓક્ટોબર- 2017માં ગુજરાત હાઈકોર્ટે હાજીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.

ગોધરા શહેરમાં 2002માં ટ્રેનની બોગીમાં આગ લગાડવાના કેસના ગુનેગાર હાજી બિલાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે દોષિત ઈસ્માઈલ અબ્દુલ મજીદ ઉર્ફે હાજી બિલાલ (61) વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.

વડોદરાના મદદનીશ પોલીસ કમિશનર અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે 22 નવેમ્બરે અચાનક બિલાલની તબિયત બગડી હતી. તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાસની તકલીફને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. માહિતી મળતા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ બાદ હાજી બિલાલનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપ્યો હતો. તેના મૃતદેહને ગોધરા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને દફનાવવામાં આવ્યો હતો.

19 વર્ષ પહેલા 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી ગુજરાત પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગ લગાડવામાં આવી હતી. આ આગના કારણે કોચમાં સવાર 59 મુસાફરોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં મોટા પાયે રમખાણો ફેલાઈ ગયા. ગોધરાકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.

2011 માં, SIT ની વિશેષ કોર્ટે હાજી બિલાલ સઈદ સહિત 11 દોષિતોને મૃત્યુદંડ અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે હાજીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ત્યારથી તે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.

(11:44 pm IST)