ગુજરાત
News of Friday, 27th November 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝાયડસ ફાર્માની મુલાકાત માટે તંત્રની તૈયારી

વેક્સિનની તૈયારીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે નિરિક્ષણ કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઉપરાંત પૂણે અને હૈદરાબાદમાં પણ વેક્સિન તૈયાર કરતી કંપનીઓની પણ મુલાકાત લેશે

અમદાવાદ, તા. ૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદ આવી રહ્યાં છે. જ્યારે પીએમ મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની ચાંગોદરમાં આવેલ ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત લેશે. કંપની બહાર હેલિપેડ બનાવામાં આવ્યું છે તેમજ રસ્તાઓ રિસરફેસ કરવામાં આવી રહ્યાં છે. સાથે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સજ્જ કરવામાં આવ્યો છે.

ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે વડાપ્રધાન મોદી પ્લાન્ટની મુલાકાત લેશે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા ૧૦ કરોડ દવાઓનો ડોઝ અગાઉથી બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઝાયડસ કોવિડ રસીની સ્થિતિનું નિરિક્ષણ કરવા શહેરમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી શનિવારે અમદાવાદ ઉપરાંત પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત પણ લેવા જઈ રહ્યા છે.

(9:18 pm IST)