ગુજરાત
News of Friday, 27th November 2020

ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૬-૧૮ ડિગ્રી : અમદાવાદ શહેરમાં દિવસ-રાતના તાપમાનમાં ૩ ડિગ્રીનો તફાવત : ૧૪.૫ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ઠંડુ

અમદાવાદ, તા. ૨૭ : ઉત્તર ભારતમાં સતત વધી રહેલી ઠંડીની અસર વચ્ચે રાજ્યમાં પણ ઠંડીનો રંગ જામી રહ્યો છે. ગુરૂવારની સરખામણીએ શુક્રવારે રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. જો કે, પવનની ગતી સામાન્ય કરતા વિશેષ રહેતા ઠંડીનો ચમકારો વર્તાયો હતો. શુક્રવારે પણ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુત્તમ તાપમાન ૧૬થી ૧૮ ડિગ્રીની આસ-પાસ રહેતા લોકોએ મોડી રાત્રે અને વહેલી પરોઠે ઠંડીનો અહેસાસ કર્યો હતો.

કચ્છના નલિયા અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા રાજ્યના મોટા ભાગનાં શહેરમાં ઠંડીમાં શુક્રવારે સામાન્ય ઘટાડો થયાથી લોકોને ઠંડીથી રાહત મળી છે. જો કે, હજુ વહેલી પરોઢે અને મોડી રાત્રી દરમિયાન ઠંડા વન ફુંકાવાની સાથે તાપમાનનો પારો ૧૬ ડિગ્રીની આસ પાસ રહેતા ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. ત્યારે શુક્રવારે રાજકોટ ૧૪. ડિગ્રી સાથે રાજ્યનુ સૌથી ઠંડું શહેર સાબિત થયું હતું. જ્યારે અમદાવાદના દિવસ અને રાત્રીના તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થતા દિવસે ઠંડી વર્તાઇ હતી.

અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ૧૨. ડિગ્રી ગયા બાદ છેલ્લા બે  દિવસ અને રાત્રીનું તાપમાન વધતાં શહેરીજનોને ઠંડીથી સહેજ રાહત મળી છે. જો કે, વહેલી પરોઢે ઠંડો પવન ફૂંકાતા લોકોને ઠંડડીની અસર વર્તાઇ હતી. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં હજુ ઠંડી ઘટશે અને ધીરે ધીરે તાપમાનમાં વધારો થશે.

(9:12 pm IST)