ગુજરાત
News of Friday, 27th November 2020

રેલવે ડિવિઝને કર્મચારીની બદલીના હુકમ કરતા રોષ

ભારતીય રેલવે બોર્ડના આદેશનો ઘોળીને પી ગયું : કોરોના વાયરસની મહામારી વચ્ચે રેલવે બોર્ડ દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી બદલી નહીં કરવા આદેશ કરાયો છે

અમદાવાદ,તા.૨૭ : કોરોના મહામારી વચ્ચે રેલવે બોર્ડ દ્વારા કર્મચારીઓની ટ્રાન્સફર કરવા માટે નિર્ણય કર્યો હતો. જોકે, કોરોનાની મહામારીમાં અમદાવાદ ડિવિઝનને કોઈ ફરક પડતો હોય તેમ રેલવે બોર્ડના પરિપત્રની ઐસીતૈસી કરીને પોતાના પાવરથી કર્મચારીઓની બદલી કરી દીધી છે. કોરોનાની મહામારી વચ્ચે રેલવે બોર્ડ દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી બદલી કરવા આદેશ કરાયો છે. આમ છતાં અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયને પણ આક્ષેપ કર્યો છે કે, રેલવે બોર્ડનો આદેશ હોવા છતાં બદલીઓ કરવામાં આવી છે. કર્મચારીઓ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ લાગવાનો ડર રહે છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન મંડળ મંત્રી એચએસપાલે જણાવ્યું છે કે, રેલવે બોર્ડના આદેશનું પણ પાલન થયું નથી. મહામારી વચ્ચે પણ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. મંડળ સંગઠન મંત્રી સંજય સૂર્યબલીએ જણાવ્યું છે કે, અમદાવાદ રેલવે ડિવિઝનમાં ૧૮ હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. કોરોનાની મહામારીમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી અત્યાર સુધીમાં ૭૫૦ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને કોરોનાથી ૩૦થી વધારે કર્મીઓનું નિધન થયું છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન તરફથી પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે કે મહામારી વચ્ચે રેલવેના કર્મચારીઓની બદલી કરવામા આવે. આમ છતાં બદલીના આદેશ કરાયા છે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરવાને કારણે કર્મચારીઓમાં સંક્રમણ વધ્યું છે. મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક, મિકેનિકલ, એન્જિનિયર, સિગ્નલ એન્ડ ટેલિકોમ, સહિતના તમામ વિભાગમાંથી બદલી થઈ રહી છે.

(7:41 pm IST)