ગુજરાત
News of Friday, 27th November 2020

૬૯ જેટલા વિવિધ દેશોના પોલીસથી લઇ વિવિધ અધિકારીઓને ગુજરાતે તાલીમ આપી તજજ્ઞ બનાવ્યા છે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્ય અતિથિ પદે યોજાયેલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.ના ઓનલાઇન દીક્ષાંત સમારોહ પ્રસંગ અંતર્ગત કુલપતિ ડો. જે.એમ.વ્યાસે પોતાના મનની વાતો વર્ણવી : આજનો યુગ તજજ્ઞનો છે : વડાપ્રધાનની દુરંદેશીને કારણે રાષ્ટ્રીય લેવલની ફોરેન્સિક યુનિ. માફક ગુજરાત એફએસએલની કાબેલિયત ધ્યાને લઇ યુ.પી.ના હાથરસની દેશભરમાં ચર્ચિત ઘટનાના આરોપી અહીં લાવવામાં આવ્યા છે

રાજકોટ તા. ૨૭ : ફોરેન્સિક સાયન્સનું કાર્ય ક્રાઇમ સિનથી લઇ કોર્ટ રૂમ સુધી ફેલાયેલું છે. વર્તમાન સમયમાં નિષ્ઠાપૂર્વક સબંધક વિષયની તજજ્ઞાતા હોય તો સામેથી અન્યોને તમારી પાસે આવવું પડે જેનું શ્રેષ્ઠ ઉદારહણ ગુજરાત છે. એફએસએલ પાસે હાલના વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિને કારણે વર્લ્ડના શ્રેષ્ઠ સાધનો અને તજજ્ઞને કારણે દેશભરમાં જાણીતા ઉતર પ્રદેશના હાથ રસની ઘટના આરોપીને પણ ગુજરાત લાવવા પડ્યા છે તેમ વિશ્વની પ્રથમ રાષ્ટ્રિય લેવલની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ.વ્યાસે જણાવ્યું હતું.         

ડો. જે. એમ.વ્યાસ પ્રવર્તમાન પરિસ્થતિ અંતર્ગત ફોરેન્સિક યુનિ.ના વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ફોરેન્સિક યુનિ.દ્વારા દેશ વિદેશના પોલીસથી લઇ અન્ય ૧૧૦૦૦ હાજર અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. પોલીસ તંત્રના ૨૩૦૦થી વધુ તથા ૨૬૦૦થી વધુ તકેદારી અધિકારીઓ તથા ૬૯ જેટલા વિવિધ દેશના ૨૩૦૦થી વધુ અધિકારીઓને તાલીમ ગુજરાતે આપી હોવાનું ગૌરવ થી જણાવેલ.    ચીફ ગેસ્ટ પદે થી સંબોધન કરતા શીક્ષણ મંત્રી ભૂપન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ. વિશ્વભરમાં હાંસલ કરેલી નામના સુંદર ઉદાહરણો રજૂ કરી યુનિ.ટીમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.મા મહત્વની જવાબદારીઓ જેના શીરે છે તેવી શ્રી ગુણા ટીમ સતત સક્રિય રહી હતી.

આ પ્રસંગે તત્કાલીન જીએફએસયુના મેમ્બર્સ ઓફ બોર્ડ ગવનર્સ એન્ડ એકેડેમિક કાઉન્સિલ, ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેન્સિક સાયન્સના પ્રો. એસ.ઓ.જુનારે, ઇન્સ્ટિટયૂટ ઓફ બિહેવિયરલ સાયન્સના ડાયરેકટર બ્રિગેડિયર ડો. કે.કે.ત્રિપાઠી, ઇન્સ્ટિટયૂટ ઓફ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેકટર ડો. પી.મૈતી, રજીસ્ટ્રાર સી.ડી.જાડેજા સહિત એકેડેમિક સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:53 pm IST)