ગુજરાત
News of Friday, 27th November 2020

મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ લેવામાં 9 કલાક કરતા ચાંદખેડા પીઆઇ અને સ્ટાફ વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત અરજી

મહિલા કોન્સ્ટેબલ અને મહિલા વકીલ સાથે એલફેલ વર્તન કરી બન્નેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડયાનો આક્ષેપ

અમદાવાદ :સામાન્ય માણસને પોલીસ દ્વારા અસહકાર મળતો હોવાનો કચવાટ રહેતો હોય છે તતેવામાં મહિલા કોન્સ્ટેબલની સાસરિયાં વિરુદ્ધની ફરિયાદ લેવામાં પોલીસે 9 કલાક કરતા મહિલા વકીલે ચાંદખેડા પીઆઈ અને સ્ટાફ વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી છે. અરજીમાં પીઆઈ અને સ્ટાફએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અને મહિલા વકીલ સાથે એલફેલ વર્તન કરી બન્નેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 મહિલા વકીલ ભાવનાબહેન મકવાણાએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ચાંદખેડા પીઆઈ આર.એલ.ખરાડી અને પોલીસ સ્ટાફ વિરુદ્ધ અરજી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ લતાબહેનએ ત્રણ માસ અગાઉ સાસરિયાં વિરુદ્ધ અરજી કરી હતી. જે પોલીસ દફતરે કરી દીધી હતી. દરમિયાન લતાબહેનએ ભાવનાબહેનને વકીલ તરીકે રોક્યા હતાં . ભાવનાબહેનએ ગત તા. 9-11-2020 ના રોજ લતાબહેનની રજુઆત સાંભળી અરજી ટાઈપ કરાવી રજીસ્ટર્ડ પોસ્ટથી પોલીસને મોકલી આપી હતી

ભાવનાબહેનએ મોકલેલી અરજીના કામે અસીલ લતાબહેન સાથે તેઓ ચાંદખેડા પોલીસ ચોકીએ ગયા હતા. તે સમયે પોલીસે હાલમાં સ્ટાફ ક્વોરન્ટાઇન હોવાથી ચાર-પાંચ દિવસ પછી બોલાવીશું તેમ જણાવ્યું હતું.

 

આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ લતાબહેન પુત્રની માર્કશીટ અને ડોક્યુમેન્ટ લેવા તેમની સાસરીમાં ગયા હતા. તે સમયે સાસુ સહિતના લોકોએ જેમફાવે તેમ બોલી કાઢી મુક્તા તેઓ ચાંદખેડા પોલીસ સ્ટેશન વકીલ ભાવનાબહેન સાથે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

તે સમયે હાજર પોલીસ સ્ટાફે લતાબહેનને પોલીસ જીપમાં પોલીસ સ્ટાફ સાથે સાસરીમાં મોકલ્યા હતા. તે સમયે પીઆઈ ખરાડી આવતા તેઓએ પોલીસ જીપ કેમ મોકલી તેમ કહી જીપ પરત બોલાવી લીધી હતી. પોલીસ જીપ લતાબહેનને પરત લઈ આવી હતી.

પોલીસ કોન્સ્ટેબલ લતાબહેનએ પતિ ભુપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ યાદવ, સાસુ ગીતાબહેન અને દિયર યોગેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસને જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું લતાબહેનના પતિને અમે બોલાવ્યા છે. લતાબહેનના પતિએ પોલીસ સ્ટેશન આવીને ખરાબ વર્તન કર્યું અને પોલીસ સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો તેમજ અરજદાર ભાવનાબહેન સમક્ષ પણ અભદ્ર વર્તન કર્યું હતું

અરજદારની હાજરીમાં લતાબહેનના પતિ ભુપેન્દ્રસિંહએ પોલીસ સ્ટાફ સામે ફોન ધરી લો ખરાડી સાહેબ સાથે વાત કરો તેમ જણાવ્યું હતું. જોકે સ્ટાફે અરજદાર સામે ફોન લીધો ન હતો. જેના પરથી પીઆઈ અને ભુપેન્દ્રસિંહની સાંઠગાંઠ હોવાની અરજદારને શંકા ગઈ હતી. આથી પીઆઈ અને તેમના હુકમથી સ્ટાફે અરજદાર વકીલ અને ફરિયાદી લતાબહેન સાથે ખરાબ વર્તન કર્યું હતું.

પીઆઈ ખરાડીએ મહિલા વકીલને જણાવ્યું કે, લતાબહેન અમારા સ્ટાફના છે.તમારે તેમની ફરિયાદ માટે આવવાની જરૂર નથી. આથી અરજદાર વકીલએ લતાબહેન તમારા સ્ટાફના છે તો તમારે ફરિયાદ લઈ લેવી જોઈએ અરજી દફતરે ના કરવી જોઈએ. આથી પીઆઈ ખરાડીએ ઉશ્કેરાઈ બન્ને મહિલાનું અપમાન કર્યું હતું. લતાબહેનને તમારે શુ કામ લવ મેરેજ કરવા જોઈએ તેમ જાહેરમાં જણાવ્યું હતું.પીઆઈના વર્તનથી હેબતાઈ ગયેલા લતાબહેન સહિતના લોકોએ વારંવાર કંટ્રોલ મેસેજ કરતા આખરે તેઓની ફરિયાદ પોલીસે નોંધી હતી. આમ ગત તા.24ના બપોરે 3 થી રાત્રે 12 વાગ્યા સુધી લતાબહેન,તેમનો પુત્ર, વકીલ અને તેમના પતિ પોલીસ સ્ટેશનમાં 9 કલાક હેરાન થયા હતા.

મહિલા વકીલ ભાવનાબહેનએ તેઓને અને તેમના અસીલ મહિલા કોન્સ્ટેબલ લતાબહેનને ન્યાય મળે તે માટે પીઆઈ ખરાડી સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરી છે

(10:50 pm IST)