ગુજરાત
News of Friday, 27th November 2020

કોસંબા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા

સ્ટેટ મોનિટરિંગ સેલની કડક કાર્યવાહી

બારડોલી, તા. ૨૬ : સુરત જિલ્લા પોલીસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડને કારણે વધુ એક પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા છે. સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.એ.દવે ને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ અધિકારીઓને સસ્પેન્ડ થવાનો સિલસિલો યથાવત છે. થોડા સમય અગાઉ જ કડોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ.વળવી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનમાં પી.આઈ નો ચાર્જ સંભાળતા પી.એસ.આઈ પી.એ.દવે ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

થોડા સમયમાં જ કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં બે દિવસ આગાઉ કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં એકી સાથે ચાર જગ્યાએ નાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોસંબાના એક રાજકીય આગેવાન સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની ખેંચતાણ થઈ હતી. આ સમગ્ર પ્રકરણ ગાંધીનગર ખાતે પહોંચ્યું હતું અંતે પ્રોહિબિશનની પ્રવૃતિ અટકાવવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી કોસંબાના ઇન્ચાર્જ પી.આઈ પી.એ.દવે ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને લઈ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

(8:27 am IST)