ગુજરાત
News of Wednesday, 27th October 2021

પોલીસ ગ્રેડ પે આંદોલન મુદ્દે આંદોલન હાલ પૂરતું મોકૂફ : પરિવારજનો સાથે ડીજીપીની ચર્ચા બાદ લેવાયો નિર્ણય

રાજ્યના પોલીસ વડા સાથે પોલીસ પરિવારોની બેઠક બાદ આંદોલન હાલ પૂરતુ મોકૂફ રાખવાનો નિર્ણય

અમદાવાદ :ગુજરાત સરકાર માટે મોટી ચેલેન્જ સમાન પોલીસ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. હાલ રાજ્યના પોલીસ વડા સાથે પોલીસ પરિવારોની બેઠક ચાલી રહી છે. જેમાંથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિવિધ માગણી મુદ્દે DGPના સકારાત્મક અભિગમ બાદ આંદોલન પાછું ખેચવામાં આવ્યું છે. હજુ પણ પરિવારજનો સાથે DGPની ચર્ચા ચાલુ છે પણ બેઠક બાદ આંદોલન મૌકૂફીની સત્તાવાર જાહેરાત થશે.

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણી એ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના આગેવાનો સાથે સાથે ચર્ચા કરી છે. અને રાજ્ય સરકાર જે નિયમ હશે અને કરવા જેવું હશે તે ચોક્કસ સરકાર કરશે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે તેવી કર્મચારીઓને અપીલ કરું છું. રાજ્યની જનતાને કોઈપણ આંદોલનથી તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય. આપને જણાવી દઈએ કે, પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું જે બાદ DGP સાથેની બેઠક બાદ આંદોલન હાલ પૂરતુ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(8:39 pm IST)