ગુજરાત
News of Wednesday, 27th October 2021

રાજયમાં પોલીસકર્મીઓ ગ્રેડ પે આંદોલન તો બીજી બાજુ અમદાવાદ પોલીસ દ્વારા ડાયરાના આયોજનથી આશ્ચર્ય

અમદાવાદ રિવરફ્રન્ટ પર ડાયરાનો કાર્યક્રમ :પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડાયરાનું આયોજન

અમદાવાદ : ગુજરાતમાં ગ્રેડ-પે મામલે બીજા દિવસે પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરમાંથી પોલીસ પરિવારો બાળકો સાથે પહોંચી રહ્યા છે. જો કે, રાજયમાં પોલીસકર્મીઓ ગ્રેડ પે આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં પોલીસ ગ્રેડ-પે આંદોલન ધીરે ધીરે વેગ પકડતું દેખાઈ રહ્યું છે. પોલીસ પરિવારજનો બાળકો સાથે રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે અને આ આંદોલનમાં સહકાર આપી રહ્યા છે. એક તરફ આંદોલન ચાલી રહ્યું છે તો બીજી બાજુ શહેર પોલીસ દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં જાણિતા કલાકાર માયાભાઈ આહિરની સાથે અન્ય કલાકારો અને ભાજપના કોર્પોરેટરો પણ સામેલ થવાના છે. આંદોલન સમયે જ ડાયરાનું આયોજન થતાં જ આંદોલન સાથે જોડાયેલા તેમજ તેમના પરિવારજનોમાં કચવાટ ઉભો થયો છે.

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર આજે ડાયરાનો કાર્યક્રમ યોજાવાનો છે. પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ ડાયરામાં જાણિતા કલાકારો અને ભાજપના નેતાઓ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. એક બાજુ ડાયરો અને બીજી બાજુ આંદોલન થઈ રહ્યું હોવાથી સમગ્ર બાબત શહેરમાં ચર્ચાએ ચઢી છે.

અંગ્રેજો સમયથી ચાલી આવતી પગાર સહિતની વિસંગતતા બાબતે રાજ્ય પોલીસ દ્વારા લડતનાં શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ગ્રેડ-પે મુદ્દે અમદાવાદના પોલીસ જમાદાર હાર્દિક પંડ્યાએ સચિવાલય સંકુલમાં પ્રતિબંધિત એરિયામાં શરૂ કરેલા આંદોલનને રાજ્યભરના પોલીસ કર્મચારીઓ સમર્થન આપી રહ્યા છે. રાજ્યમાં પહેલી વખત પોતાની માંગણીઓને લઇને પોલીસ દ્વારા જાહેરમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે આખો દિવસ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા પછી આજે બીજા દિવસે પણ ગાંધીનગરમાં પોલીસ પરિવારો દ્વારા ઝુંબેશ શરૂ કરી આર યા પારની લડાઈ શરૂ કરી દેવામાં આવી છે

(8:31 pm IST)