ગુજરાત
News of Wednesday, 27th October 2021

પોલીસ ગ્રેડ -પે મામલે મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું સરકાર હકારાત્મક પણ જનતાને તકલીફ પડી તો ચલાવી નહિ લેવાય

ગ્રેડ પે આંદોલનનો મામલો વધુ વકર્યો :સુરત, ગાંધીનગર, અમદાવાદ,જામનગર બાદ જૂનાગઢમાં પણ વિરોધ શરૂ

અમદાવાદ :પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના આગેવાનો સાથે સાથે ચર્ચા કરી છે. અને રાજ્ય સરકાર જે નિયમ હશે અને કરવા જેવું હશે તે ચોક્કસ સરકાર કરશે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે તેવી કર્મચારીઓને અપીલ કરું છું. રાજ્યની જનતાને કોઈપણ આંદોલનથી તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.

પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આંદોલનના સમર્થનમાં પોલીસ પરિવારની મહિલાઓ પણ જોડાઈ છે. અને રાજ્યના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.  

ગ્રેડ પે આંદોલનનો મામલો વધુ વકરી રહ્યો છે. સુરત, ગાંધીનગર, અમદાવાદ બાદ હવે જૂનાગઢમાં પણ વિરોધ શરૂ થયો છે. જૂનાગઢ ગ્રેડ પે ને લઇ પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ થાળી વગાડી વિરોધ કર્યો હતો. તેમજ ‘હમારી માંગે પુરી કરો‘ના નારા સાથે જિલ્લાના તમામ પોલીસ પરિવાર હેડક્વાટર ખાતે એક્ઠા થયા હતાં

પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આંદોલનના સમર્થનમાં પોલીસ પરિવારની મહિલાઓ પણ જોડાઈ છે. મહેસાણા, સુરત અને પાટણ બાદ અમદાવાદમાં પણ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. દાણીલીમડામાં પોલીસ લાઈન નજીક મહિલાઓએ ચક્કાજામ કરીને તેમજ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો હતો.

જામનગર ખાતે જૂની પોલીસ લાઈન અને પોલીસ હેડક્વાટર ખાતે આજે પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકોએ દેખાવો કર્યા હતા. ઉચ્ચ પગાર ધોરણની માંગણી સાથે  પોલીસ પરિવાર મહિલાઓ થાળી વગાડી અનોખો વિરોધ કર્યો. જયારે હેડક્વાટર ખાતે મહિલાઓ એકત્ર થઇ ધરણા પર બેસી ગઈ હતી. જેને લઈને બંને સ્થળોએ  પોલીસ પહોચી હતી અને મહિલાઓને વિખેરી શાંત પડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ હાલ મામલો શાંત પડી ગયો છે પરંતુ આવો જ વિરોધ અન્ય શહેરોમાં થઇ શકે છે.
ગુજરાત પોલીસ ગ્રેડ પે આંદોલનમાં વધુ એક ડિપાર્મેન્ટ જોડાયું છે. ગૃહ વિભાગ હેઠળ આવતા નશાબંધી અને આબકારી વિભાગના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે. હાલ માં આબકારી વિભાગના કોન્સ્ટેબલનો ગ્રેડ પે 1 હજાર 650 છે. આબકારી વિભાગના કોન્સ્ટેબલો દ્વારા પોલીસ સમકક્ષ ગ્રેડ પે કરવા માટે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ માગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસને હવે આબકારી વિભાગના કર્મચારીઓનું સમર્થન મળતા સરકારે હવે ચોક્કસથી આ દિશામાં વિચારવું પડશે.

(8:00 pm IST)