ગુજરાત
News of Wednesday, 27th October 2021

ઉમરેઠ તાલુકામાં નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગની ટીમે ઓચિંતાનો છાપો મારી એક શખ્સને ઝડપી પાડયો

આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદીના પટમાં રેતી ખનની પ્રવૃત્તિ ફુલીફાલી હોવાની ફરિયાદો વચ્ચે ઉમરેઠ તાલુકાના લાલપુરા-સુંદલપુરામાંથી પસાર થતી મહી નદીના પટમાં ચાલી રહેલ ગેરકાયદે રેતી ખનન ઉપર આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા ઓચિંતો છાપો મારી એક શખ્શને ઝડપી પાડયો હતો. જો કે ઝડપાયેલ શખ્શ દ્વારા મદદનીશ ભુતરશાસ્ત્રી સાથે ઝપાઝપી કરી તેઓને સામાન્ય ઈજાઓ પહોંચાડતા આ મામલો ઉમરેઠ પોલીસ મથકે પહોંચ્યો છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના લાલપુરા-સુંદલપુરા રોડ ઉપર મહિ નદીના કિનારે ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. 

ખાણ ખનીજ વિભાગના છાપાને લઈ સ્થળ ઉપર રેતી ખનન કરી રહેલ શખ્શોમાં નાસભાગ મચી જવા પામી હતી. દરમ્યાન ઘટનાસ્થળથી ૫૦૦ મીટર દુર નદી પટ્ટ વિસ્તારમાં એલ એન્ડ ટી પ્લાન્ટવાળા રસ્તે એક વ્યક્તિ શંકાશીલ રીતે મોબાઈલ ઉપર વાત કરતા મોટરસાયકલ લઈને જતા નજરે ચઢતા ભુતરશાસ્ત્રી નિકુલભાઈ પોપટભાઈ દેસાઈએ તેને અટકાવી ફોનની તપાસ કરવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેઓ સાથે ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપી દરમ્યાન નિકુલભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો કે નિકુલભાઈએ આ શખ્શને ઝડપી પાડયો હતો અને ઉમરેઠ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી.

(5:47 pm IST)